Gujarat

ગામમાં એન્ટ્રી સાથે જ સરકારી ગાડીની સાયરન ગુંજી ઉઠી

નીતિ – નિયમો અને ચાર્જ ભરપાઈ કરીને સરકારી ગાડી ગામ લઈ ગયો હતોઃ સુધાકર ચૌધરી

સુરત મહાનગર પાલિકાનાં ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી વધુ એક વખત વિવાદનું કેન્દ્ર બન્યા છે. હાલમાં જ પોતાનાં વતન જલગાંવની મુલાકાત દરમિયાન સુધાકર ચૌધરી દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાને કારણે ચર્ચાનો દૌર શરૂ થયો છે. ગામમાં એન્ટ્રી કરતાં જ તેઓની ગાડીમાંથી નીકળતો સાયરનનો અવાજ ગામવાસીઓમાં ભલે તેમના માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હોય પરંતુ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકારી રૂપિયાનાં ધુમાડા અંગે સુધાકર ચૌધરી સામે સુરતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અલબત્ત, સુધાકર ચૌધરી દ્વારા આ ઘટના અંગે સરકારી નિયમોનું પાલન કરવાની સાથે સાથે મેયર અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

સુરત મહાનગર પાલિકાનાં વોર્ડ નં. ૨૭ (ડિંડોલી દક્ષિણ)નાં કોર્પોરેટર અને હાલમાં ડેપ્યુટી મેયર સુધાકર લોટનભાઈ ચૌધરી હાલમાં જ જલગાંવ ખાતે અમલનેરમાં આવેલ પોતાનાં વતન કડમસર ખાતે પહોંચ્યા હતા. ગામમાં આવેલ મંદિરનાં એક દિવસીય કાર્યક્રમમાં પહોંચેલા સુધાકર ચૌધરીનું ગ્રામજનો ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેઓ ગામનાં મંદિરમાં મહાદેવનાં આશીર્વાદ લીધા બાદ ગ્રામજનોએ તેમનું અભિવાદન પણ કર્યું હતું. જો કે, આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ દરમિયાન તેઓ દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવતાં વિવાદનો મધપુડો

છંછેડાયો છે. સુરતથી અંદાજે ૩૦૦ કિલોમીટર દુર આવેલ તેમના ગામ સુધી તેઓ સરકારી ગાડીમાં પહોંચ્યા હતા અને ગામમાં પહોંચતાં જ તેઓની ગાડીમાંથી સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સરકારી રૂપિયાનાં વેડફાટ અંગે સુધાકર ચૌધરીની ટીકા પણ થઈ રહી છે. બીજી તરફ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરતાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓ શહેરનાં ડેપ્યુટી મેયર હોવાને કારણે કોઈપણ પ્રકારનાં નિયમમાં બાંધછોડ કર્યા વિના મેયર સહિત મનપાનાં ફાયર વિભાગને જાણ કરવાની સાથે જરૂરી ચાર્જની ભરપાઈ પણ કરવામાં આવી છે. બીજી તરફ ૧૮થી ૨૦ રૂપિયામાં બજારમાં મળતી ઈનોવા કારનો મનપાનાં ચોપડે સરકારી ભાવ ચારથી પાંચ રૂપિયા જેટલો હોવાને કારણે સરકારી રૂપિયા પર સુધાકર ચૌધરી દ્વારા ગામમાં વટ પાડવામાં આવ્યા હોવાનાં આક્ષેપો પણ ઉઠવા પામ્યા છે.

સુધાકર ચૌધરીનાં જાણભેદુએ જ વીડિયો વાયરલ કર્યો
ડિંડોલીનાં કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી ભલે ઉતાળવ હોવાને કારણે પોતાનાં વતન સરકારી ગાડીમાં પહોંચ્યા હોય પરંતુ સરકારી ગાડીમાં તેમની એન્ટ્રીથી માંડીને તેમની આગતા સ્વાગતા અને અભિવાદનનો વીડિયો ગામનાં કોઈ વતની દ્વારા ઉતારવામાં આવ્યો હતો અને હવે આ વીડિયો સુરતનાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેમની સામે ગંભીર આક્ષેપો ઉઠવા પામ્યા છે. આ સમગ્ર ઘટનામાં તેમનાં જ કોઈ હિતશત્રુ દ્વારા ગામનો વીડિયો છેક સુરત સુધી વાયરલ કરવામાં આવ્યો હોવાની ચર્ચાએ પણ જોર પક્ડયું છે.

Most Popular

To Top