World

ભારત સહિત અનેક દેશો પર 100% ટેરિફનો પ્રસ્તાવ, અમેરિકી હાઉસમાં આજે અંતિમ મતદાન

અમેરિકામાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા દેશો સામે કડક કાર્યવાહી સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ વિધેયક પર આજે, 16 સપ્ટેમ્બર 2026ના રોજ, હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં અંતિમ મતદાન થવાનું છે. આ પ્રસ્તાવમાં રશિયા સાથે ઊર્જા વેપાર કરતા કેટલાક દેશો પર 100 ટકા સુધી વધારાનો ટેરિફ લાદવાની સત્તા અમેરિકી રાષ્ટ્રપતિને આપવાની જોગવાઈ છે. તેમાં ભારતનું નામ પણ સામેલ કરવાનો સુધારો રજૂ કરવામાં આવ્યો છે.આ વિધેયકનું નામ ‘Sanctioning Russia and Iran Act of 2026’ તરીકે સામે આવ્યું છે. તેનો મુખ્ય હેતુ રશિયા અને ઈરાન સામે આર્થિક દબાણ વધારવાનો છે. ખાસ કરીને રશિયાના તેલ અને ગેસ ક્ષેત્રને નિશાન બનાવવાની જોગવાઈઓ આ પ્રસ્તાવમાં છે. અમેરિકાનું કહેવું છે કે રશિયાની ઊર્જા આવકને મર્યાદિત કરીને તેના પર આર્થિક દબાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભારતનું નામ કેવી રીતે આવ્યું?
અમેરિકી સેનેટમાં પસાર થયેલા મૂળ વિધેયકમાં રશિયાના મોટા તેલ અને ગેસ ખરીદનારા દેશો પર 100 ટકા સુધી ટેરિફ લાદવાની સત્તાની જોગવાઈ છે. પરંતુ હાઉસમાં ચર્ચા દરમિયાન ડેમોક્રેટિક સાંસદ સ્ટેની હોયરે એક સુધારો રજૂ કર્યો હતો. તેમાં ભારત અને ચીન સહિત કુલ 10 દેશોના નામ સ્પષ્ટ રીતે સામેલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.આ યાદીમાં ભારત અને ચીન ઉપરાંત તુર્કિયે, અઝરબૈજાન, હંગેરી, સ્લોવાકિયા, યુએઈ, સિંગાપોર, કઝાકિસ્તાન અને કિર્ગિઝ રિપબ્લિકના નામનો પણ ઉલ્લેખ થયો છે. જોકે, આનો અર્થ એવો નથી કે આ તમામ દેશો પર તરત જ 100 ટકા ટેરિફ લાગુ થઈ જશે.

સેનેટમાં મળી ચૂકી છે મંજૂરી
આ વિધેયક અમેરિકી સેનેટમાં 7 ઓગસ્ટે 86-11 મતથી પસાર થઈ ચૂક્યું છે. હવે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં તેની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે. મંગળવારે વિધેયકને આગળ વધારવા માટેની પ્રક્રિયાત્મક દરખાસ્ત 214-211 મતથી મંજૂર થઈ હતી. હવે અંતિમ મતદાન બાદ જ આગળની કાયદાકીય પ્રક્રિયા સ્પષ્ટ થશે.વિશેષ વાત એ છે કે હાઉસમાં માત્ર ટેરિફ વધારવાનો પ્રસ્તાવ જ ચર્ચામાં નથી. એક અન્ય સુધારામાં આ સમગ્ર ટેરિફ જોગવાઈને હટાવવાની પણ માંગ કરવામાં આવી છે. એટલે અમેરિકી સંસદમાં આ મુદ્દે મતભેદ પણ જોવા મળી રહ્યા છે.

ભારત પર શું અસર થઈ શકે?
જો વિધેયક કાયદો બને અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ આ સત્તાનો ઉપયોગ ભારત સામે કરે, તો ભારતમાંથી અમેરિકામાં નિકાસ થતી કેટલીક ચીજવસ્તુઓ પર 100 ટકા સુધીનો વધારાનો ટેરિફ લાગી શકે છે.આવી સ્થિતિમાં અમેરિકી બજારમાં ભારતીય માલની કિંમત વધી શકે છે અને નિકાસકારો પર ખર્ચનું દબાણ વધી શકે છે.પરંતુ હાલ સૌથી મહત્વની વાત એ છે કે ભારત પર 100 ટકા ટેરિફ લાગુ થઈ ગયો નથી. હાલ માત્ર એવી કાયદાકીય સત્તા આપવાનો પ્રસ્તાવ છે, જેના આધારે ભવિષ્યમાં રાષ્ટ્રપતિ પગલું લઈ શકે. અંતિમ નિર્ણય અને તેના અમલની રીત અલગ પ્રક્રિયા પર આધારિત રહેશે.

રશિયન તેલ ખરીદી મુદ્દે અમેરિકાનું દબાણ
ભારત લાંબા સમયથી રશિયા પાસેથી કાચા તેલની ખરીદી કરે છે. રશિયા પર પ્રતિબંધો અને યુક્રેન યુદ્ધના સંદર્ભમાં આ ખરીદી અમેરિકાની નીતિમાં મહત્વનો મુદ્દો બની રહી છે. અમેરિકી પક્ષનું તર્ક છે કે રશિયાને મળતી ઊર્જા આવક તેની યુદ્ધ ક્ષમતાને આર્થિક આધાર આપે છે. તેથી રશિયન તેલ ખરીદતા દેશો પર વધારાનો દબાણ બનાવવાની નીતિ આગળ ધપાવવામાં આવી રહી છે.આ વિધેયકમાં રશિયાના ઊર્જા ક્ષેત્ર ઉપરાંત પ્રતિબંધોથી બચવામાં મદદ કરતા કથિત ‘શેડો ફ્લીટ’ સામે પણ કાર્યવાહી કરવાની જોગવાઈઓ હોવાની માહિતી સામે આવી છે.હવે તમામની નજર અમેરિકી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સના અંતિમ મતદાન પર છે. મતદાનનું પરિણામ વિધેયકની આગળની કાયદાકીય પ્રક્રિયા નક્કી કરશે. ત્યારબાદ જો તે કાયદો બને તો ભારત સહિત સંબંધિત દેશો સામે ટેરિફની સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં, તે અમેરિકી સરકારના આગામી નિર્ણય પર નિર્ભર રહેશે.

Most Popular

To Top