World

મક્કા તરફ હૂતી ડ્રોનનો ખતરો! સઉદી અરેબિયાએ કહ્યું- ‘બે પવિત્ર મસ્જિદોની સુરક્ષા અમારી રેડ લાઇન’

મક્કા નજીક હૂતી ડ્રોનને સઉદી એર ડિફેન્સે તોડી પાડ્યો, પવિત્ર શહેરની હવાઈ સીમામાં પ્રવેશતા પહેલાં જ કાર્યવાહી; હૂતી સંગઠને મક્કાને નિશાન બનાવ્યાનો દાવો નકાર્યો,સઉદી અરેબિયામાં પવિત્ર શહેર મક્કાની સુરક્ષાને લઈને ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સઉદી નેતૃત્વવાળા ગઠબંધનના જણાવ્યા મુજબ, યમનમાં સક્રિય હૂતી સંગઠન તરફથી આવતો એક ડ્રોન મક્કાની દિશામાં આગળ વધી રહ્યો હતો, જેને સઉદી એર ડિફેન્સે મંગળવારે 15 સપ્ટેમ્બરની સાંજે મક્કાની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશતા પહેલાં જ અટકાવીને તોડી પાડ્યો હતો. ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલિકીએ જણાવ્યું કે ડ્રોનને સાંજે લગભગ 6:50 વાગ્યે મક્કાના દક્ષિણ વિસ્તારમાં ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યો હતો. ડ્રોનનો કાટમાળ શહેરથી દક્ષિણ તરફ પડ્યો હોવાનું પણ જણાવાયું છે.

આ ઘટનાને સઉદી અધિકારીઓએ અત્યંત ગંભીર ગણાવી છે, કારણ કે મક્કા ઇસ્લામનું સૌથી પવિત્ર શહેર છે અને અહીં કાબા તથા મસ્જિદ અલ-હરામ સહિતના પવિત્ર સ્થળો આવેલા છે. અલ-માલિકીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બે પવિત્ર મસ્જિદો અને હજ યાત્રીઓની સુરક્ષા સઉદી અરેબિયા માટે ‘રેડ લાઇન’ છે. જો કે તેમણે વધુમાં સંકેત આપ્યો કે ભવિષ્યમાં આવા હુમલાઓને રોકવા માટે જરૂરી પ્રતિરોધાત્મક પગલાં લેવામાં આવશે.સઉદી ગઠબંધનના જણાવ્યા અનુસાર, મક્કાને નિશાન બનાવવાનો આ હૂતી સંગઠનનો બીજો પ્રયાસ છે. અગાઉ 27 જુલાઈ 2017ના રોજ પણ મક્કા તરફ બેલિસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હોવાનો સઉદી પક્ષે દાવો કર્યો હતો. જોકે, તાજેતરની ઘટનામાં હૂતી સંગઠને મક્કા અથવા કોઈ ધાર્મિક સ્થળને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. હૂતી પ્રવક્તા હાઝેમ અલ-અસદે સઉદી દાવાને ખોટો ગણાવ્યો હતો. તેથી ડ્રોનનો ચોક્કસ ઉદ્દેશ શું હતો તે અંગે બંને પક્ષોના દાવામાં સ્પષ્ટ મતભેદ છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે યમનના હૂતી સંગઠન અને સઉદી અરેબિયા વચ્ચે તણાવ ફરી વધી રહ્યો છે. સઉદી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તાજેતરના દિવસોમાં હૂતી તરફથી સઉદી વિસ્તારમાં મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા છે. સઉદી ગઠબંધને અગાઉ ખમીસ મુશાયત, અબ્હા અને તાઇફ વિસ્તારમાં થયેલા હુમલાઓમાં 13 નાગરિકો ઘાયલ થયાનો દાવો કર્યો હતો. કેટલાક મકાનો અને વાહનોને પણ નુકસાન થયું હોવાનું જણાવાયું હતું. મક્કાની સુરક્ષાને લઈને સઉદી સરકારે અગાઉ શહેરમાં ઇમરજન્સી એલર્ટ પણ જાહેર કર્યું હતું. લોકોને ઘરની અંદર રહેવા, બારીઓ, ખુલ્લી જગ્યાઓ, બાલ્કની અને છતથી દૂર રહેવા તેમજ બહાર હોય તો નજીકની મજબૂત ઇમારતમાં આશરો લેવા સૂચના આપવામાં આવી હતી.વાહનમાં હોય તેવા લોકોને પુલો અને ઊંચી ઇમારતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાએ મધ્યપૂર્વમાં વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે મક્કા જેવા અત્યંત સંવેદનશીલ ધાર્મિક સ્થળોની સુરક્ષાને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી છે. હાલ સઉદી અરેબિયા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પવિત્ર સ્થળો અને હજ યાત્રીઓની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં, જ્યારે હૂતી સંગઠન મક્કાને નિશાન બનાવ્યાના આરોપને નકારી રહ્યું છે.

Most Popular

To Top