LumoraTV એપ ડાઉનલોડ કરવી ડભોઇના યુવકને ભારે પડી : મોબાઇલ હેક કર્યા બાદ ત્રણ બેંક ખાતામાંથી રૂ.1.41 લાખ ઠગોએ ઉપાડી લીધા
ઈન્સ્ટાગ્રામ પર આવેલી એપ ડાઉનલોડ કરતાં મોબાઇલમાં રિસ્ક એપનું નોટિફિકેશન આવ્યું, અનઈન્સ્ટોલ છતાં રૂપિયા કપાઈ ગયા
વડોદરા તા.17
વડોદરા જિલ્લાના ડભોઈમાં મોબાઇલ હેક કરીને સાયબર ઠગાઈ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આવેલી LumoraTV એપ ડાઉનલોડ કર્યા બાદ યુવકના મોબાઇલમાં અચાનક હેકિંગ જેવી પ્રવૃત્તિ જોવા મળી હતી. ત્યારબાદ અજાણ્યા ઠગોએ યુવકના ત્રણ અલગ-અલગ બેંક ખાતામાંથી રૂ.1.41 લાખ ઉપાડી લીધા હતા.
ડભોઈની ચુનીલાલપાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય હેવનકુમાર રમેશભાઈ ધોબીના ઈન્સ્ટાગ્રામ આઈડી પર ગત 11 જૂનના રોજ LumoraTV નામની એપ્લિકેશનની લિંક આવી હતી. યુવકે એપ ડાઉનલોડ કરતાં મોબાઇલમાં રિસ્ક એપનું નોટિફિકેશન આવ્યું હતું. જેથી તેમણે તાત્કાલિક એપ અનઈન્સ્ટોલ કરી દીધી હતી.
જોકે, તે જ દિવસે સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં હેવનકુમાર ઓનલાઈન મારફતે કસ્ટમરને નાણાં ટ્રાન્સફર કરી રહ્યા હતા ત્યારે તેમનો મોબાઇલ અચાનક હેક થઈ ગયો હતો. મોબાઇલની ડિસ્પ્લે પર ઇન્ટ્રોલ સિસ્ટમ લખાણ દેખાતા તેમણે આ અંગે પોતાના એમ્પ્લોય અજયભાઈને મોબાઇલ બતાવ્યો હતો. આશરે પાંચથી સાત મિનિટ બાદ મોબાઇલ ફરી ચાલુ થયો હતો, પરંતુ ગૂગલ એપમાં બેલેન્સ જોવા મળ્યું ન હતુ અને આખોય ખાતું ખાલી થઈ ગયું હતું.
આ દરમિયાન યુવકે બેંકમાં જઈને તપાસ કરતા અજાણ્યા સાયબર ઠગોએ યુવકના ત્રણ અલગ-અલગ બેંક ખાતામાંથી રૂ.1.41 લાખ ઉપાડી લીધા હતા. મોબાઇલ હેક થયા બાદ બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી જતાં યુવકે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે ડભોઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.