Vadodara

જેટકોની લાઈનના શિફ્ટિંગના કારણે રીંગ રોડના ત્રણ ફ્લાય ઓવરબ્રિજની કામગીરીમાં વિલંબ

પૂર્વ વિસ્તારના બ્રિજના કામમાં અડચણ, આવતા વર્ષે મધ્ય સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરા શહેરના રીંગ રોડ પર ચાલી રહેલી ત્રણ મહત્વકાંક્ષી ફ્લાય ઓવરબ્રિજની કામગીરીમાં વિલંબ થવા પાછળનું મુખ્ય કારણ જેટકોની હાઈટેન્શન લાઈન હોવાનું સામે આવ્યું છે.સમગ્ર પ્રક્રિયામાં સમય લાગતા ત્રણેય બ્રિજની વાસ્તવિક કામગીરી મોડી શરૂ થઈ હતી. જોકે હવે જેટકોની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

વડોદરા મહાનગર પાલિકાના બ્રિજ વિભાગના કાર્યપાલક ઈજનેર પ્રશાંત જોશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ રીંગ રોડ પર ખોડિયાર નગર, સરદાર એસ્ટેટ અને વૃંદાવન ચાર રસ્તા પાસે ત્રણ બ્રિજની કામગીરી ચાલી રહી છે. શરૂઆતમાં જ્યારે આ બ્રિજના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા, ત્યારે જ સ્થળ પર જેટકોની લાઈન કાર્યરત હતી. જોશીએ જણાવ્યું કે, જેટકોની પ્રક્રિયા મુજબ વર્ક ઓર્ડર આપ્યા બાદ કોર્પોરેશન દ્વારા ડિપોઝીટની રકમ ભરવાની હોય છે. ત્યારબાદ જેટકો દ્વારા સ્થળ સ્થિતિ મુજબ એસ્ટિમેટ તૈયાર કરી કોર્પોરેશનને રજૂ કરવામાં આવે છે. આ એસ્ટિમેટની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી ડિમાન્ડ નોટ મુજબની રકમ ભર્યા બાદ જ લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં સમય લાગતા ત્રણેય બ્રિજની વાસ્તવિક કામગીરી મોડી શરૂ થઈ હતી. જોકે હવે જેટકોની તમામ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, કામગીરી નિયત સમયમર્યાદામાં જ ચાલી રહી છે અને આવતા વર્ષના મધ્ય સુધીમાં ત્રણેય બ્રિજને લોકાર્પણ તરફ લઈ જવાનો તંત્રનો લક્ષ્યાંક છે. એકવાર વર્ક ઓર્ડરની એમાઉન્ટ ફાઈનલ થયા બાદ જેટકો સાથે સતત સંકલન બેઠકો પણ યોજવામાં આવી હતી.

Most Popular

To Top