ભારતની મહાન કર્ણાટક સંગીત ગાયિકા એમ. એસ. સુબ્બુલક્ષ્મીની 110મી જન્મજયંતી નિમિત્તે બેંગલુરુમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કાર્યક્રમમાં ગીત સાંભળતી વખતે ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ કાર્યક્રમ 16 સપ્ટેમ્બર 2026ના રોજ બેંગલુરુના ચૌડૈયા મેમોરિયલ હોલમાં યોજાયો હતો. સીતારમણ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં એમ. એસ. સુબ્બુલક્ષ્મીની સંગીત પરંપરાને આગળ વધારી રહેલી તેમની પરદૌહિત્રીઓ એસ. ઐશ્વર્યા અને એસ. સૌંદર્યાએ પ્રસ્તુતિ આપી હતી. તેમના સંગીતના સૂર વચ્ચે સીતારમણ ભાવુક થઈ ગયા હતા. કાર્યક્રમનો વીડિયો સામે આવ્યા બાદ આ ક્ષણ સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં આવી છે.
એમ. એસ. સુબ્બુલક્ષ્મીની પરદૌહિત્રીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા પોતે પણ કર્ણાટક સંગીત સાથે જોડાયેલા કલાકારો છે. બંનેએ કાર્યક્રમમાં સુબ્બુલક્ષ્મીની સંગીત પરંપરાને આગળ ધપાવતી પ્રસ્તુતિ આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુબ્બુલક્ષ્મીના સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમના યોગદાનને યાદ કરવાનો હતો. સીતારમણે પણ કાર્યક્રમ દરમિયાન સુબ્બુલક્ષ્મીના સંગીત, તેમની સાધના અને શિસ્તને યાદ કરી હતી. તેમણે કર્ણાટક સંગીતમાં ભક્તિના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે અલગ-અલગ ભાષા અને આધ્યાત્મિક પરંપરાઓનું સંગમ આ સંગીતની ખાસિયત છે. તેમણે સુબ્બુલક્ષ્મીની પ્રતિભા પાછળ રહેલી કઠોર શિસ્ત અને સતત મહેનતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ 16 સપ્ટેમ્બર 1916ના રોજ મદુરાઈમાં થયો હતો. નાની ઉંમરથી જ તેમણે સંગીતની તાલીમ શરૂ કરી હતી અને આગળ જતાં તેઓ ભારતની સૌથી જાણીતી કર્ણાટક સંગીત ગાયિકાઓમાં સ્થાન પામ્યા હતા. તેમની ગાયકી માત્ર દક્ષિણ ભારત પૂરતી મર્યાદિત રહી નહોતી. દેશભરમાં તેમના ભજનો અને શાસ્ત્રીય સંગીતને લોકપ્રિયતા મળી હતી. તેમની રજૂઆતોમાં સંગીત સાથે ભક્તિ અને આધ્યાત્મિક ભાવના પણ જોવા મળતી હતી. આ જ કારણસર તેમના અવાજે સામાન્ય સંગીતપ્રેમીઓથી લઈને દેશના દિગ્ગજ નેતાઓ સુધી અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા.
સુબ્બુલક્ષ્મીના સંગીત ક્ષેત્રે યોગદાનને દેશે અનેક સન્માનોથી નવાજ્યું હતું. 1998માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આ સન્માન મેળવનારા પ્રથમ સંગીતકાર બન્યા હતા. તેમની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પહોંચી હતી. 1966માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંગીત પ્રસ્તુત કર્યું હતું. આ પ્રસ્તુતિને ભારતીય શાસ્ત્રીય સંગીતના આંતરરાષ્ટ્રીય પ્રસાર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટના તરીકે યાદ કરવામાં આવે છે.
ફિલ્મ ‘મીરા’થી અભિનય ક્ષેત્રે પણ ઓળખ મળી સુબ્બુલક્ષ્મી માત્ર શાસ્ત્રીય ગાયિકા નહોતા, પરંતુ તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. 1945માં આવેલી ‘મીરા’ ફિલ્મમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ગીતો પણ ગાયા હતા. આ ફિલ્મ તેમની કારકિર્દીનો મહત્વનો ભાગ બની હતી.
ફિલ્મ સાથે જોડાયા બાદ પણ તેમની મુખ્ય ઓળખ સંગીત સાથે જ રહી. તેમના ભજનો અને અન્ય ધાર્મિક રચનાઓ આજે પણ અનેક ઘરોમાં સાંભળવામાં આવે છે. તેમની ગાયકીની લોકપ્રિયતા તેમના અવસાન બાદ પણ યથાવત રહી છે. સુબ્બુલક્ષ્મીની જીવનકથા હવે મોટા પડદા પર પણ રજૂ થવાની છે. તેમની બાયોપિકનું સત્તાવાર લોન્ચિંગ 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમની 110મી જન્મજયંતીના દિવસે ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અભિનેત્રી રશ્મિકા મંદાના સુબ્બુલક્ષ્મીની ભૂમિકા ભજવશે અને ફિલ્મનું દિગ્દર્શન ગૌતમ તિન્નનુરી કરી રહ્યા છે. સંગીતની જવાબદારી અનિરુદ્ધ રવિચંદરે સંભાળી છે.
ફિલ્મની જાહેરાત સાથે જ સુબ્બુલક્ષ્મીના જીવન અને સંગીત વારસાને ફરી એક વખત દેશભરમાં ચર્ચા મળી છે. ફિલ્મ તેમની સંગીતયાત્રા અને જીવનના વિવિધ પાસાંને પડદા પર રજૂ કરવાનો પ્રયાસ કરશે. આ રીતે તેમની 110મી જન્મજયંતી પર એક તરફ બેંગલુરુમાં તેમની પરદૌહિત્રીઓએ સંગીતની પરંપરા જીવંત રાખી, તો બીજી તરફ તેમની જીવનકથા પર બનનારી ફિલ્મની પણ સત્તાવાર શરૂઆત થઈ. આ ખાસ પ્રસંગે સુબ્બુલક્ષ્મીના સંગીતને યાદ કરતાં નિર્મલા સીતારમણની આંખોમાં આવેલા આંસુએ કાર્યક્રમની ભાવુક ક્ષણને વધુ ખાસ બનાવી દીધી.