Entertainment

‘માયસા’માં રશ્મિકાનો અનોખો અવતાર, પાણીની અંદર ફાઈટ સીન કરનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બન્યાનો દાવો

દક્ષિણ ભારતીય સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાની અલગ ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી રશ્મિકા મંદાના હવે પોતાની આગામી ફિલ્મ ‘માયસા’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ માટે તેણે એવા એક્શન દ્રશ્યો આપ્યા છે, જે અત્યાર સુધી કોઈ ભારતીય અભિનેત્રીએ કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે આ તમામ સ્ટંટ તેણે કોઈ બોડી ડબલની મદદ લીધા વગર જાતે જ કર્યા છે. ફિલ્મના નિર્માતાઓના જણાવ્યા મુજબ, ‘માયસા’માં પાણીની અંદર ફિલ્માવવામાં આવેલા એક્શન સીન માટે રશ્મિકાએ બે દિવસ દરમિયાન લગભગ 20 કલાક સુધી પાણીમાં રહીને શૂટિંગ કર્યું હતું. લાંબા સમય સુધી પાણીની અંદર રહીને શૂટિંગ કરવું શારીરિક અને માનસિક રીતે ખૂબ જ પડકારજનક માનવામાં આવે છે. તેમ છતાં રશ્મિકાએ સંપૂર્ણ સમર્પણ સાથે આ દ્રશ્યો પૂર્ણ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

નિર્માતાઓનો દાવો છે કે પાણીની અંદર આ પ્રકારના ફાઈટ સીન કરનારી રશ્મિકા પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. ફિલ્મના પ્રોડ્યૂસરોએ સોશિયલ મીડિયા પર શૂટિંગ દરમિયાનની કેટલીક તસવીરો અને વીડિયો ક્લિપ શેર કરી છે. તેમાં પાણીની અંદર તૈયાર કરાયેલા વિશાળ સેટ અને એક્શન સિક્વન્સની ઝલક જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવ્યા બાદ ચાહકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્સુકતા વધી ગઈ છે. ‘માયસા’નું દિગ્દર્શન રવિન્દ્ર પુલ્લે કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા આદિવાસી વિસ્તારની પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાનું જણાવવામાં આવ્યું છે. ફિલ્મમાં લાગણીસભર કથા સાથે જબરદસ્ત એક્શન અને થ્રિલનો પણ સમન્વય જોવા મળશે. નિર્માતાઓનું કહેવું છે કે દર્શકોને આ ફિલ્મમાં અત્યાર સુધી ન જોયો હોય એવો સિનેમેટિક અનુભવ મળશે.

છેલ્લા કેટલાક વર્ષોમાં રશ્મિકા મંદાનાએ વિવિધ પ્રકારના પાત્રો ભજવીને પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી છે. હવે ‘માયસા’માં તે એક્શન અવતારમાં જોવા મળશે. ફિલ્મ માટે તેણે લીધેલી મહેનત અને જોખમી સ્ટંટને કારણે આ ફિલ્મ પહેલાથી જ ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મની રિલીઝ તારીખ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, શૂટિંગના આ દ્રશ્યો સામે આવ્યા બાદ ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Most Popular

To Top