વાઘોડિયા રોડની ઉમા પાર્ક સોસાયટીમાં મધરાતે સર્જાઈ દુઃખદ ઘટના; ગંભીર રીતે ઘાયલ પત્ની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ
કટર વડે ગળા પર હુમલો, પછી ઘરમાં જ જીવન ટૂંકાવ્યું
(પ્રતિનિધિ) વડોદરા, તા. 13
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી ઉમા પાર્ક સોસાયટીમાં રવિવારે મોડી રાત્રે ઘરેલુ ઝઘડાએ કરૂણ વળાંક લીધો હતો. પતિએ પત્ની પર કટર વડે જીવલેણ હુમલો કર્યા બાદ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી પત્નીને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં કપૂરાઈ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ, પ્રદીપ કિશનરાવ ગાંગુડેએ પત્ની જ્યોતિબેનના ગળા પર કટર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ તેણે આવેશમાં આવી ઘરમાં જ સાડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
બાળકોની બૂમાબૂમથી પાડોશીઓ દોડી આવ્યા, પિતાની ફરિયાદ આધારે ગુનો નોંધાયો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યોતિબેનના લગ્ન આશરે 15 વર્ષ પહેલાં પ્રદીપ ગાંગુડે સાથે થયા હતા અને દંપતીને એક પુત્ર તથા એક પુત્રી છે. રાત્રે આશરે અઢી વાગ્યે પુત્રે પોતાના દાદાને ફોન કરીને માતા પર હુમલો થયાની જાણ કરી હતી. ત્યારબાદ આરોપીએ બંને બાળકોને રૂમમાં બંધ કરી દીધા હતા.
બાળકોની બૂમાબૂમ સાંભળી પડોશીઓ મદદે દોડી આવ્યા અને તેમને સલામત બહાર કાઢ્યા હતા. બાદમાં ઘરની બારીનો કાચ તોડી અંદર જોતા પ્રદીપ ગાંગુડે છતના હૂક સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
હુમલામાં જ્યોતિબેનને ગળા ઉપરાંત આંખની પાસે અને હાથ પર પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. કપૂરાઈ પોલીસે જ્યોતિબેનના પિતાની ફરિયાદના આધારે મૃતક પ્રદીપ ગાંગુડે વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.