Sports

‘હું મશીન કે રોબોટ નથી’ સંજુ સેમસને છલકાવ્યું દર્દ

વૈભવ સૂર્યવંશીના સિલેક્શન પર પણ કહી મોટી વાત

અફઘાનિસ્તાન સામે બીજા T20માં 22 બોલમાં 57 રનની તોફાની ઇનિંગ બાદ સંજુ સેમસને પોતાની સ્થિતિ અને સતત થતી ટીકા અંગે ખુલાસો કર્યો; વૈભવ સૂર્યવંશીને લઈને પણ મહત્વની વાત કહી,ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર-બેટર સંજુ સેમસને અફઘાનિસ્તાન સામેની બીજી T20 મેચમાં શાનદાર વાપસી કરીને પોતાની બેટિંગથી જવાબ આપ્યો. પ્રથમ મેચમાં માત્ર 10 રન બનાવ્યા બાદ સંજુના સ્થાનને લઈને ચર્ચા શરૂ થઈ હતી અને વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11માં તક મળવાની અટકળો ચાલી રહી હતી. પરંતુ દિલ્હીમાં રમાયેલી બીજી T20માં સંજુએ માત્ર 22 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 57 રન ફટકારીને પોતાની આક્રમક બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું. તેણે માત્ર 20 બોલમાં અડધી સદી પૂરી કરી હતી.


સંજુની આ ઇનિંગ બાદ તેના કરિયરમાં સતત આવતી ઉતાર-ચઢાવની ચર્ચા ફરી શરૂ થઈ છે. વર્ષ 2015માં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સંજુ હજુ સુધી ટીમમાં પોતાનું સ્થાન સંપૂર્ણપણે નિશ્ચિત કરી શક્યો નથી. અહેવાલ મુજબ, 2026ના T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહેવા છતાં એક-બે મેચમાં નિષ્ફળતા બાદ તેના સ્થાન અંગે સવાલો ઉઠતા રહ્યા છે. આ સ્થિતિ અંગે સંજુએ પોતાના મનની વાત કરતા કહ્યું કે “હું મશીન કે રોબોટ નથી”એટલે કે ખેલાડી પાસેથી દરેક મેચમાં એકસરખા પરિણામની અપેક્ષા રાખવી સરળ નથી.


સંજુના સતત ટીમમાં આવવા-જવા અંગે પૂર્વ ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ વાત કરી હતી. અશ્વિનના મતે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કર્યા બાદ પણ ટીમમાંથી બહાર થઈ જાય અને ફરીથી અંદર આવે તો તેની માનસિક સ્થિતિ પર અસર પડી શકે છે. તેમણે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મેચ વિનિંગ ઇનિંગ રમ્યા પછી પણ જો ખેલાડીને ડ્રોપ કરવામાં આવે તો તેને લાગે છે કે તેની સ્થિતિને કોઈ સમજી રહ્યું નથી. આ ચર્ચા સંજુની હાલની સ્થિતિ સાથે પણ જોડાઈ રહી છે.આ સમગ્ર મામલામાં હવે યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું નામ પણ મહત્વનું બન્યું છે. 15 વર્ષીય વૈભવે 2026ના IPLમાં પોતાના પ્રદર્શનથી ભારે ચર્ચા મેળવી હતી અને જિમ્બાબ્વે પ્રવાસમાં ત્રણ ઇનિંગમાં કુલ 151 રન બનાવીને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ પણ મેળવ્યો હતો. અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ પહેલાં એવી અટકળો હતી કે વૈભવને ઓપનિંગમાં તક આપવા માટે સંજુને બહાર બેસાડવામાં આવી શકે છે. જોકે પ્રથમ અને બીજા બંને T20માં વૈભવને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નહોતું.


વૈભવને સતત બે મેચમાં બહાર રાખવાના નિર્ણય પર પૂર્વ ભારતીય ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંતે પણ સવાલ ઉઠાવ્યા હતા. જો કે તેમણે કહ્યું હતું કે જે ખેલાડીએ અગાઉના પ્રવાસમાં પ્લેયર ઓફ ધ સિરીઝનું પ્રદર્શન કર્યું હોય તેને અચાનક બહાર રાખવાથી યુવા ખેલાડીના આત્મવિશ્વાસ પર અસર પડી શકે છે. વૈભવને ટીમમાં ક્યારે અને કયા સ્થાન પર તક આપવી તે ટીમ મેનેજમેન્ટનો નિર્ણય છે.બીજી T20માં ભારતે પ્રથમ બોલિંગ કરી હતી અને અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 159 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ભારતીય બેટિંગમાં સંજુ સેમસનની 57 રનની આક્રમક ઇનિંગ ચર્ચાનું કેન્દ્ર બની.

સંજુએ પોતાની બેટિંગથી બતાવ્યું કે સતત ટીકા અને પસંદગી અંગેની ચર્ચા વચ્ચે પણ તે જવાબ આપવા માટે બેટથી તૈયાર છે.હવે સૌથી મોટી ચર્ચા એ છે કે સંજુ સેમસનની આ તોફાની ઇનિંગ બાદ ટીમમાં તેની ભૂમિકા કેવી રીતે આગળ વધશે અને વૈભવ સૂર્યવંશીને ભારતીય T20 ટીમમાં નિયમિત તક ક્યારે મળશે. બંને ખેલાડીઓના પ્રદર્શન અને ટીમ મેનેજમેન્ટના આગામી નિર્ણય પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે.

Most Popular

To Top