SURAT

જાહેર રસ્તા પર પત્નીને માર મારનાર પતિ ઝડપાયો, ઘટનાસ્થળે જ હાથ જોડવાની આવી નોબત, પ્રેમિકા સામે પણ ગુનો નોંધાયો

સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેર રસ્તા પર પત્ની પર થયેલા ક્રૂર હુમલાના મામલે ઉત્રાણ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને મુખ્ય આરોપી પતિની ધરપકડ કરી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લીધો હતો. ત્યારબાદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું પંચનામું પણ કર્યું હતું. જે સ્થળે પત્નીને જાહેરમાં માર માર્યો હતો, એ જ સ્થળે પોલીસ સાથે ઉભેલા આરોપીને હાથ જોડવાની ફરજ પડી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અમરોલી વિસ્તારમાં રહેતી હિરલબેન બ્યુટી પાર્લર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2019થી પતિ પ્રવિણ ગોળકીયા સાથે કૌટુંબિક અણબનાવ ચાલી રહ્યો છે. બંને અલગ રહે છે અને તેમના વચ્ચેનો મામલો હાલ ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે.

શનિવારે સવારે હિરલબેન પોતાની મોટી દીકરીને ગજેરા સ્કૂલમાં મૂકીને એક્ટિવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોટા વરાછા રોડ પર પ્રગતિ આઈટી પાર્ક નજીક રસ્તો ક્રોસ કરતી વખતે સામે સફેદ રંગની અલ્ટ્રોઝ કાર આવી હતી. કારમાં તેમના પતિ પ્રવિણ ગોળકીયા અને તેની પ્રેમિકા હાજર હતા. આરોપી પતિ કારમાંથી નીચે ઉતર્યો અને હિરલબેન સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. તેણે જાહેરમાં ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. પત્નીએ વિરોધ કરતાં જ પ્રવિણ વધુ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે હિરલબેનના માથા અને પીઠ પર મુક્કા માર્યા, વાળ પકડીને રસ્તા પર ઢસડ્યા અને નિર્દયતાથી માર માર્યો હતો. આ દરમિયાન કારમાં બેઠેલી પ્રવિણની પ્રેમિકા પણ બહાર આવી હતી અને તેણે પણ મહિલાને થપ્પડ મારી હતી. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી લોકો ભેગા થઈ ગયા હતા. રાહદારીઓએ વચ્ચે પડી મહિલાને વધુ મારથી બચાવી હતી. આરોપીઓ જતા પહેલાં મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલામાં મહિલાને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાએ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પ્રવિણ ગોળકીયાની ધરપકડ કરવામાં આવી હતી. હુમલામાં સામેલ હોવાનું સામે આવતાં તેની પ્રેમિકા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધરપકડ બાદ પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું પંચનામું કર્યું હતું. જે જગ્યાએ આરોપીએ પત્નીને જાહેરમાં માર માર્યો હતો, ત્યાં જ પોલીસની હાજરીમાં તે શાંત જોવા મળ્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસે સમગ્ર કાર્યવાહી કાયદાકીય રીતે પૂર્ણ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે વધુ તપાસ ચાલી રહી છે. મહિલાની ફરિયાદના આધારે આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ ફરી એકવાર મહિલાઓની સુરક્ષા અને ઘરેલુ વિવાદો જાહેર હિંસામાં ફેરવાઈ જવાના મુદ્દે ગંભીર ચર્ચા જગાવી છે. દિવસના સમયે વ્યસ્ત રસ્તા પર બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે જાહેર સ્થળે આવી હિંસક ઘટનાઓ સામે ઝડપથી અને કડક કાર્યવાહી થવી જરૂરી છે, જેથી આવા બનાવો ફરી ન બને.

Most Popular

To Top