ભરૂચ જિલ્લામાં ખુલ્લી ગટરો અને વરસાદી કાંસ બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. બે દિવસના ટૂંકા ગાળામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બે માસૂમ બાળકોના મોત થતાં ચકચાર મચી છે. આમોદ તાલુકાના મછાસરા ગામમાં બે વર્ષના વિહાનનું વરસાદી ખુલ્લી કાંસમાં ડૂબી જવાથી મોત થયું હતું. આ ઘટનાના થોડા સમય બાદ જ વાલિયા તાલુકાના મોદલીયા ગામમાં ચાર વર્ષની આરોહી ખુલ્લી ગટરમાં પડી જતાં તેનું પણ કરુણ મોત થયું છે. વાલિયા તાલુકાના મોદલીયા ગામના પીપળી ફળિયામાં રહેતા પુષ્પાબેન અશોકભાઈ વસાવાની ચાર વર્ષની દીકરી આરોહી ઘર નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી. રમતી વખતે અચાનક તે ઘર નજીક આવેલી ખુલ્લી ગટરમાં ઊંધા માથે પડી ગઈ હતી. બાળકી ગટરમાં પડી જતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં માતા સહિત પરિવારના સભ્યો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોહીને ગટરમાંથી બહાર કાઢી સારવાર માટે લઈ ગયા હતા. તેને પ્રથમ નેત્રંગ અને ત્યારબાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર મળે તે પહેલાં જ બાળકીનું મોત થઈ ગયું હતું. આરોહીના મોતના સમાચાર મળતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જે ઘરની આસપાસ થોડા સમય પહેલાં બાળકોના હાસ્યના અવાજ સંભળાતા હતા, ત્યાં અચાનક શોક અને આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વાલિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી થોડા સમય પહેલાં જ આમોદ તાલુકાના મછાસરા ગામમાં પણ આવી જ કરુણ ઘટના બની હતી. ગામમાં રહેતા શૈલેષભાઈ અરવિંદભાઈ રાઠોડના બે વર્ષના પુત્ર વિહાનનું વરસાદી ખુલ્લી કાંસમાં ડૂબી જવાથી મોત થયું હતું. મછાસરા અને આસપાસના વિસ્તારમાં બે દિવસ દરમિયાન વરસાદ પડ્યો હતો. જેના કારણે વરસાદી કાંસમાં પાણીનું વહેણ વધી ગયું હતું. આ દરમિયાન વિહાન ઘર નજીકથી ગુમ થતાં પરિવારજનો અને સ્થાનિકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન નવીનગરી પાસે આવેલી અબ્બાસ બાપાની દુકાન નજીક વરસાદી કાંસમાંથી વિહાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
માસૂમ વિહાનના મોતની જાણ થતાં પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. બાળકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બે દિવસમાં ભરૂચ જિલ્લામાં બનેલી આ બંને ઘટનાઓએ રહેણાંક વિસ્તારોમાં આવેલી ખુલ્લી ગટરો અને વરસાદી કાંસની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને જ્યાં બાળકોની અવરજવર વધુ હોય તેવા વિસ્તારોમાં ખુલ્લી ગટરો જોખમ બની શકે છે.
બંને દુર્ઘટનાઓ બાદ ખુલ્લી અને જોખમી ડ્રેનેજની તાત્કાલિક તપાસ કરાવવા તથા જરૂરી સલામતી પગલાં ભરવાની માંગ ઉઠી છે. ગટરો અને વરસાદી કાંસને ઢાંકવા, જોખમી સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા તેમજ રહેણાંક વિસ્તારોમાં આવી જગ્યાઓ અંગે નિયમિત તપાસ કરવાની જરૂરિયાત પણ સામે આવી છે. જોકે, આ બંને ઘટનાઓમાં કોઈ તંત્રની બેદરકારી કે જવાબદારી છે કે નહીં તે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પરંતુ એક પછી એક બનેલી બે દુર્ઘટનાઓને કારણે ખુલ્લી ગટરોની સુરક્ષા વ્યવસ્થાને લઈને તાત્કાલિક પગલાં ભરવાની માગ વધુ પ્રબળ બની છે.