વર્ગ-૧ અને ૨ માં ૧%, વર્ગ-૩ માં ૧૦% તથા વર્ગ-૪ ની નોકરીઓમાં ૨૦% અનામત અપાશે; ૧૯મીની સામાન્ય સભામાં મુકાશે પ્રસ્તાવ
વડોદરા:
દેશની સેવામાં પોતાનું યોગદાન આપનાર માજી સૈનિકો માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં હવે વડોદરા કોર્પોરેશનની વિવિધ ભરતીઓમાં માજી સૈનિકો પણ પોતાની સેવાઓ આપી શકશે. તાજેતરમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકાએ માજી સૈનિકોને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ આપવા માટેની તજવીજ હાથ ધરી છે.
કોર્પોરેશનની નોકરીઓમાં માજી સૈનિકોને અનામત આપવા સંબંધિત એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે, જેને આગામી તારીખ ૧૯મીના રોજ મળનારી વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. આ દરખાસ્ત મંજૂર થયા બાદ માજી સૈનિકો માટે વિવિધ વર્ગની સરકારી નોકરીઓમાં ચોક્કસ અનામત બેઠકો ફાળવવામાં આવશે.
પ્રસ્તાવિત દરખાસ્ત મુજબ, વર્ગ-૧ અને વર્ગ-૨ની જગ્યાઓમાં માજી સૈનિકો માટે ૧ ટકા અનામત રાખવામાં આવશે. આ ઉપરાંત, વર્ગ-૩ની નોકરીઓમાં ૧૦ ટકા અને વર્ગ-૪ની જગ્યાઓમાં ૨૦ ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નિર્ણયથી નિવૃત્ત સૈનિકોને નવેસરથી રોજગારીની ઉત્તમ તકો પ્રાપ્ત થશે અને તેમના અનુભવનો લાભ મહાનગરપાલિકાના વહીવટને પણ મળશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકામાં હાલમાં પણ મહિલાઓ તેમજ દિવ્યાંગો માટે નોકરીઓમાં અનામત કોટાની વ્યવસ્થા અમલમાં છે. ત્યારે માજી સૈનિકો માટે અનામતની કવાયત શરૂ થતાં જ સ્થાનિક રમતગમતના ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માજી સૈનિકોની જેમ જ મહાનગરપાલિકાની ભરતીઓમાં ‘સ્પોર્ટ્સ કોટા’ પણ શરૂ કરવામાં આવે તેવી માંગણી શહેરના ખેલાડીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગામી સામાન્ય સભામાં આ દરખાસ્ત પર મહોર લાગ્યા બાદ આ જોગવાઈનો અમલ વડોદરા કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે.