સુખસર તાલુકાના અલગ-અલગ ગામડાઓના ખેડૂતોને માસિક રૂપિયા 20 હજાર ભાડું આપવાની લાલચ આપી ટ્રેક્ટરો લઈ ગયા હતા*
*રસ્તાની કામગીરીમાં ટ્રેક્ટરોની જરૂરત હોવાનું જણાવી 14 ટ્રેક્ટરો લઈ જઇ ભાડું ચૂકવ્યું ન હતું*
( પ્રતિનિધિ ) સુખસર,તા.17
લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે નહીં મરે’ની ઉક્તિને સાર્થક ઠેરવતો કિસ્સો પાંચ માસ અગાઉ સુખસર તાલુકામાં બની ચૂક્યો છે.જેમાં સુખસર તાલુકામાં ગત એપ્રિલ 2026 માં મહીસાગર જિલ્લાના બે ઈસમોએ પોતે રોડનું કામ કરાવતા હોય તેમાં ટ્રેક્ટરોની જરૂરત હોવાનું જણાવી માસિક રૂપિયા 20 હજાર ભાડું આપવાની લાલચ આપી ભેજા બાજોએ ખેડૂતો પાસેથી 14 જેટલા ટ્રેકટરો લઈ જઈ પાંચ માસ સુધી ભાડું નહીં ચૂકવી ટ્રેક્ટર માલિકોને છેતરપિંડીના શિકાર બનાવતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તેમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી નવ જેટલા ટ્રેક્ટરો કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ સુખસર તાલુકાના અલગ-અલગ ગામડાના 14 જેટલા ટ્રેક્ટર માલિક ખેડૂતોને મહીસાગર જિલ્લાના પંકજભાઈ મહેશભાઈ ડામોર રહે. પાદેડી અડોર,તા.સંતરામપુર તથા તેજસભાઈ રાજેશભાઈ શર્મા રહે. ચારણગામ સાલાવાડા,તા.લુણાવાડા જી.મહીસાગરનાઓ ગત એપ્રિલ માસમાં સુખસર આસપાસના ગામડાઓમાં આવી કેટલાક લોકોને વિશ્વાસમાં લઈ પોતે રોડની કામગીરી કરાવતા હોય તેમાં ટ્રેક્ટરોની જરૂરત હોય અને ટ્રેકટર આપવું હોય તો માસિક રૂપિયા 20,000 ભાડું આપવાની તથા ટ્રેક્ટરના હપ્તા બાકી હોય તો અમો ભરીશું તેવી લાલચ આપી ટ્રેક્ટરો લઈ ગયા હતા. ત્યારબાદ સમય તથા ભાડાની માંગ કરતા વિવિધ બહાના બતાવી ભાડું ચુકવ્યું ન હતું.
જ્યારે આ ટ્રેક્ટર માલિકો પૈકી કેટલાક ટ્રેક્ટર માલિકો પંકજ ડામોરના ઘરે જઈ તપાસ કરતા તેના પિતાએ જણાવેલ કે’મારો છોકરો ક્યાં છે? તેની મને કોઈ ખબર નથી’તેમ જણાવતા ટ્રેક્ટર માલિકોને ભાડાની લાલચે છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવ્યા હોવાનો અહેસાસ થતાં અને પંકજ ડામોરને પૂછતા તેમના ટ્રેક્ટરો શામળાજી તથા ભીલોડા બાજુ મુકેલ હોવાનું જણાવતા કેટલાક ટ્રેક્ટર માલિકો ત્યાં જઈને પણ તપાસ કરી હતી.પરંતુ પોતાના ટ્રેક્ટરોનો ત્યાં કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારબાદ ટ્રેક્ટર માલિકોએ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદો આપીહતી.ત્યારબાદ પોલીસે ગુપ્ત રાહે ટ્રેક્ટરોની તપાસ ચાલુ કરી હતી.અને હાલ સુધી નવ જેટલા ટ્રેક્ટરો સૌરાષ્ટ્રમાંથી કબજે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. તેમજ ટ્રેક્ટર ભાડે લઈ છેતરપિંડી નો શિકાર બનાવનાર ટોળકી મોટી હોવાની ચર્ચા સાંભળવા મળે છે ત્યારે તેમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ થશે કે કેમ તેવી પણ ચર્ચા સાંભળવા મળી રહી છે.
સુખસર તાલુકામાં ટ્રેક્ટર ભાડે ચલાવવાના બહાને ખેડૂતો સાથે છેતરપિંડી હતા મનસુખભાઈ રામાભાઇ રાઠોડ રહે.પાટી,તા. સુખસર ના ઓએ ફરિયાદ આપતા ફરાર થયેલ પંકજ મહેશભાઈ ડામોર રહે.પાદેડી અડોર તા.સતરામપુર તથા તેજસ રાજેશભાઈ શર્મા રહે.ચારણગામ સાલાવાડા તા.લુણાવાડા નાઓની સુખસર પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.ટ્રેક્ટર ઠગાઈમાં આરોપીઓ સહિત ટ્રેક્ટરોની શોધખોળ કરવા માટે સુખસર પોલીસ સ્ટેશન પી.એસ.આઇ જે.કે.રાઠોડ, એએસઆઈ સતિષભાઈ,હેડ કોસ્ટેબલ પીન્ટુભાઇ,પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ મછાર નાઓએ મહત્વની ભૂમિકા ભજવી બે આરોપીઓ સહિત નવ ટ્રેક્ટરો કબજે કરવામાં આવ્યા છે.અને બાકી અન્ય ટ્રેક્ટરોની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.
*બોક્સ*
*ઊંચા ભાડાની લાલચે ઠગાઈનો ભોગ બનેલા ખેડૂતો*
મુકેશભાઈ ભાભોર(રહે.)વાંકાનેર રાકેશભાઈ ડામોર (રહે.બચકરીયા) વિનેશભાઈ ડામોર (રહે.વાંકાનેર) પીન્ટુભાઇ ડામોર (રહે.બચકરીયા) નાથુભાઈ મકવાણા(રહે.આફવા) ભુડાભાઈ ડામોર(રહે.ભોજેલા) માનસિંગભાઈ ડામોર(રહે.ભોજેલા) મનીષભાઈ મકવાણા(રહે.વરૂણા) છગનભાઈ વળવાઈ(રહે.આફવા) કમલેશભાઈ કટારા(રહે.સરસવા પૂર્વ) ચિરાગભાઈ પંચાલ(રહે.સુખસર) જગજીભાઈ પગી(રહે.વાસીયાકુઈ) ના ઓના ટ્રેક્ટરો સહિત અન્ય ખેડૂતો સાથે ટ્રેકટરો લઈ જઈ છેતરપિંડીના શિકાર બનાવ્યા હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહી છે.
રિપોર્ટર: બાબુભાઈ સોલંકી