વેસ્ટ ઇન્ડિઝ સામે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં રમાનારી વનડે અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. સિલેક્શન કમિટીએ બંને ફોર્મેટ માટે ટીમ પસંદ કરતી વખતે કેટલાક મોટા ફેરફાર કર્યા છે. વનડે ટીમમાં પાંચ ખેલાડીઓની વાપસી થઈ છે, જ્યારે ત્રણ ખેલાડીઓને પહેલીવાર તક મળી શકે છે. બીજી તરફ રિષભ પંતને ફરી એકવાર વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી. વનડે ટીમમાં રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ અને નીતિશ કુમાર રેડ્ડીની વાપસી થઈ છે. આ પાંચેય ખેલાડીઓ અગાઉ ઈંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં ટીમનો ભાગ નહોતા. તેમના સમાવેશથી ટીમમાં બેટિંગ, સ્પિન અને ઓલરાઉન્ડ વિકલ્પોમાં વધારો થયો છે.
આ ઉપરાંત આકિબ નબી, ધ્રુવ જુરેલ અને નમન ધીરને પણ વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ત્રણેય ખેલાડીઓ માટે આ સિરીઝ વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક બની શકે છે. વિકેટકીપર તરીકે કે.એલ. રાહુલ સાથે ધ્રુવ જુરેલને બીજા વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રિષભ પંતની વનડે ટીમમાં ફરી વાપસી થઈ નથી. આ વર્ષે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે પંતની પસંદગી થઈ હતી, પરંતુ ઈજાના કારણે તે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ તેની વનડે ટીમમાં વાપસી થઈ શકી નથી. જોકે, આવતા મહિને રમાનારી ઈરાની કપ માટે તેને રેસ્ટ ઓફ ઈન્ડિયાની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
વનડે ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે કે.એલ. રાહુલ વાઇસ કેપ્ટન રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે. રોહિતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલને ટીમમાં રિઝર્વ ઓપનર તરીકે સ્થાન મળ્યું છે. શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં ઋતુરાજ ગાયકવાડને મિડલ ઓર્ડરમાં નંબર-4ની ભૂમિકા માટે વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. બીજી તરફ નીતિશ કુમાર રેડ્ડીને એશિયન ગેમ્સની ટીમમાંથી પાછા બોલાવીને વેસ્ટ ઇન્ડિઝ સામેની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટીમ મેનેજમેન્ટ તેને 50 ઓવરના ક્રિકેટમાં વધુ મેચ ટાઈમ આપવા માંગે છે.
વનડે ટીમમાં રવીન્દ્ર જાડેજાની હાજરીથી ટીમને બેટિંગની સાથે ડાબા હાથની સ્પિન બોલિંગનો વિકલ્પ પણ મળશે. સ્પિન વિભાગમાં કુલદીપ યાદવ પણ છે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બરાર પર નજર રહેશે. પહેલીવાર પસંદ કરાયેલા આકિબ નબી માટે પણ આ સિરીઝ મહત્વની રહેશે. T20 સિરીઝ માટે શ્રેયસ અય્યરને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટીમમાં મયંક યાદવ અને પ્રિન્સ યાદવની વાપસી થઈ છે. 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાં યથાવત રાખવામાં આવ્યો છે. T20 ટીમમાં તિલક વર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઈશાન કિશન અને સંજુ સેમસન વિકેટકીપર તરીકે ટીમમાં છે.
T20 ટીમના સ્પિન વિભાગમાં અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ ઉપરાંત મયંક યાદવ અને પ્રિન્સ યાદવને તક મળી છે. યશ ઠાકુરને T20 ટીમમાં સ્થાન મળ્યું નથી. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હજુ સંપૂર્ણપણે ફિટ ન હોવાથી તેને વનડે કે T20 કોઈ પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત હર્ષ દુબે, સૂર્યાંશ શેડગે અને હર્ષિત રાણા પણ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા.
એશિયન ગેમ્સની ટીમમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. વરુણ ચક્રવર્તી ઈજાના કારણે બહાર થતાં તેમની જગ્યાએ વિપ્રજ નિગમને સામેલ કરવામાં આવ્યો છે. અપડેટ કરાયેલી ટીમમાં શ્રેયસ અય્યર કેપ્ટન, તિલક વર્મા વાઇસ કેપ્ટન, જ્યારે સંજુ સેમસન અને ઈશાન કિશન વિકેટકીપર તરીકે છે. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝ 27 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં રમાશે. બીજી વનડે 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં અને ત્રીજી મેચ 3 ઓક્ટોબરે મુલ્લાંપુરમાં રમાશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ રમાશે. પ્રથમ T20 6 ઓક્ટોબરે લખનઉમાં, બીજી 9 ઓક્ટોબરે રાંચીમાં, ત્રીજી 11 ઓક્ટોબરે ઈન્દોરમાં, ચોથી 14 ઓક્ટોબરે હૈદરાબાદમાં અને પાંચમી તથા અંતિમ T20 17 ઓક્ટોબરે બેંગલુરુમાં રમાશે.