સુરત મહાનગરપાલિકા દ્વારા એક તરફ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર વધારવા માટે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવતું ટ્રીટેડ પાણી રસ્તા પર વહીને બગડી રહ્યું છે. પાલ ચાર રસ્તા પાસે પાણીની લાઈન વારંવાર તૂટતી હોવાના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી જતું હોવાની ફરિયાદો સામે આવી છે. લાઈનના સમારકામ માટે વારંવાર રસ્તો ખોદવામાં આવતાં અહીં મોટો ખાડો પણ પડી ગયો છે, જેના કારણે વાહનચાલકો માટે મુશ્કેલી સાથે અકસ્માતનું જોખમ ઊભું થયું છે.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાઉથ ઝોન-એ ઉધના વિસ્તારમાં 151 સ્થળોએ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. વરસાદી પાણી જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર વધારવાનો આ પ્રયાસ છે. શહેરમાં પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે, પાલ ચાર રસ્તા પાસે સર્જાયેલી સ્થિતિને કારણે પાણીના વ્યવસ્થાપન અંગે સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીં ટ્રીટેડ પાણીની લાઈન લગભગ દર આઠ દિવસે તૂટી જાય છે. લાઈન તૂટ્યા બાદ પાલિકા દ્વારા રિપેરિંગ કરવામાં આવે છે, પરંતુ થોડા જ દિવસોમાં ફરીથી ભંગાણ પડતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વારંવારના ભંગાણને કારણે મોટી માત્રામાં પાણી રસ્તા પર વહી જાય છે અને તેનો બગાડ થાય છે.
માત્ર પાણીનો બગાડ જ નહીં, પરંતુ લાઈનના સમારકામ માટે વારંવાર રસ્તો ખોદવો પડતો હોવાથી રોડની હાલત પણ કથળી રહી છે. પાલ ચાર રસ્તાના ટર્નિંગ પાસે હાલ મોટો ખાડો પડી ગયો છે. આ સ્થળની આગળ ટ્રાફિક સિગ્નલ હોવાથી અહીં સતત વાહનવ્યવહાર રહે છે. ટર્નિંગ લેતી વખતે ખાડો અચાનક સામે આવવાથી વાહનચાલકો માટે જોખમ ઊભું થઈ શકે છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ અકસ્માત ટાળવા માટે પોતાની રીતે ખાડા પાસે બેરિકેડ પણ મૂક્યા છે. તેમ છતાં કાયમી ઉકેલ ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો લાઈનનું સમારકામ કર્યાના થોડા દિવસ બાદ ફરીથી ભંગાણ પડતું હોય તો વારંવાર પેચવર્ક કરવાને બદલે લાઈનની સમગ્ર સ્થિતિની તપાસ કરવાની જરૂર છે.
પાણીની લાઈન જૂની છે કે તેની ક્ષમતા કરતાં વધુ દબાણ છે, જોડાણોમાં કોઈ ખામી છે કે પછી લાઈન નાખવાની કામગીરીમાં કોઈ સમસ્યા રહી છે, તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. વારંવાર રિપેરિંગ પાછળ થતો ખર્ચ અને પાણીનો બગાડ બંને અટકાવવા માટે કાયમી ઉકેલ લાવવો જરૂરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ખાસ કરીને શહેરમાં જળસંચય અને પાણી બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા હોય ત્યારે ટ્રીટેડ પાણીની લાઈનમાંથી હજારો લીટર પાણી રસ્તા પર વહી જાય તે સ્થિતિ વિરોધાભાસી હોવાનું લોકોનું કહેવું છે. એક તરફ વરસાદી પાણીનો એક-એક ટીપો જમીનમાં ઉતારી ભૂગર્ભ જળસ્તર વધારવા માટે લાખો રૂપિયાના ખર્ચે બોરવેલ બનાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ તૈયાર થયેલું પાણી લોકો સુધી પહોંચે તે પહેલાં જ વેડફાઈ રહ્યું છે.
વારંવાર પાણીની લાઈન તૂટતી હોવાના કારણે સંબંધિત કામગીરીની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાના અધિકારીઓએ માત્ર ફરિયાદ મળ્યા બાદ રિપેરિંગ કરાવવાને બદલે સ્થળ પર જઈને સમગ્ર લાઈનની સ્થિતિ તપાસવી જોઈએ. જો લાઈનનું કામ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હોય તો કામગીરીની ગુણવત્તા અને અગાઉ કરાયેલા સમારકામની પણ તપાસ થવી જોઈએ. સ્થાનિકોની માંગ છે કે વારંવાર ભંગાણ પડવાનું ચોક્કસ કારણ શોધી લાઈનનું કાયમી સમારકામ કરવામાં આવે. સાથે જ રિપેરિંગ દરમિયાન ખોદવામાં આવેલો રસ્તો પણ યોગ્ય રીતે પૂર્વવત કરવામાં આવે. પાણીનો બગાડ અટકાવવાની સાથે રસ્તા પર સર્જાયેલા ખાડાને કારણે વાહનચાલકોને પડતી હાલાકી અને અકસ્માતનું જોખમ પણ દૂર થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.