સુરત મહાનગરપાલિકા એક તરફ વરસાદના એક-એક ટીપાને બચાવી ભૂગર્ભ જળસ્તર વધારવા માટે ‘કેચ ધ રેન’ સહિતની કામગીરી કરી રહી છે, ત્યારે બીજી તરફ પાલિકાના જ પાણી વિભાગની બહાર જ પીવાનું પાણી કલાકો સુધી જાહેર રસ્તા પર વહીને વેડફાઈ રહ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. પાણીની બચત અને જળસંચય માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ પાલિકાની પોતાની મિલકતની બહાર જ પાણીનો આ રીતે બગાડ થતો હોવાના કારણે પાણી વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સુરત પાલિકાના રાંદેર ઝોન વિસ્તારમાં જહાંગીરપુરા ખાતે બોટનિકલ ગાર્ડનની સામે ઉગત ગામ તરફ પાલિકાના પાણી વિભાગનું કેન્દ્ર આવેલું છે. આ કેન્દ્રના મુખ્ય દરવાજાની બહાર જાહેર રસ્તા પર પીવાના પાણીની લાઇનો માટે અનેક ચેમ્બરો બનાવવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ચેમ્બરોની અંદર આવેલી પાઇપલાઇનોમાંથી લાંબા સમયથી પાણી લીકેજ થઈ રહ્યું છે. ખાસ કરીને બપોર બાદ શરૂ થતો પાણીનો વેડફાટ ઘણી વખત મોડી રાત સુધી ચાલુ રહેતો હોવાની ફરિયાદ છે.
લીકેજના કારણે ચેમ્બરોમાંથી બહાર નીકળતું પાણી રસ્તા પર ફેલાઈ જાય છે. ચેમ્બરોના ઢાંકણાં પણ યોગ્ય રીતે બંધ ન હોવાના કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. પાણી સતત બહાર આવતું રહેતા જાહેર રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને પીવાના પાણીનો મોટો જથ્થો વેડફાઈ જાય છે. સ્થાનિકોની ફરિયાદ માત્ર પાણીના લીકેજ પૂરતી નથી. બોટનિકલ ગાર્ડનની આસપાસ ટ્રાવેલ્સના વાહનો ઊભા રહે છે અને આ વાહનો ધોવા માટે પણ લીકેજ થઈને બહાર આવતા પાણીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ છે. એટલે કે જે પાણી લોકોને પીવા માટે પહોંચાડવામાં આવે છે, તે જ પાણી રસ્તા પર વહીને અન્ય કામમાં વપરાઈ રહ્યું હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.
આ ઉપરાંત ખુલ્લી ચેમ્બરોમાંથી ખાનગી ટ્રેક્ટરો દ્વારા ડોલે-ડોલે પાણી ભરવામાં આવતું હોવાની પણ ફરિયાદ છે. મોટા પ્લાસ્ટિકના પાત્રોમાં પાણી ભરીને તેને લઈ જવામાં આવે છે. ચેમ્બરો યોગ્ય રીતે બંધ ન હોવાથી કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પાણી ભરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે પાલિકાની પાણીની વ્યવસ્થા સામે બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે.
સૌથી મોટો સવાલ એ છે કે આ રીતે દરરોજ કેટલું પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે તેનો કોઈ ચોક્કસ હિસાબ છે કે નહીં. લીકેજ કલાકો સુધી ચાલુ રહેતું હોય તો પાણીનો જથ્થો પણ મોટો હોઈ શકે છે. એક તરફ શહેરમાં પાણી બચાવવા માટે લોકોને અપીલ કરવામાં આવે છે, બીજી તરફ પાલિકાની પોતાની પાણીની લાઇનોમાંથી જ પાણી સતત વહી રહ્યું હોય તો તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે. સુરત શહેરમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થાય તે માટે પાલિકા દ્વારા વોટર હાર્વેસ્ટિંગ અને ‘કેચ ધ રેન’ જેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વરસાદી પાણીના એક-એક ટીપાને ભૂગર્ભમાં ઉતારવા માટે પાલિકાની મિલકતોમાં પ્રાથમિકતા આધારે બોર બનાવી પાણી જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જળસંચયને લઈને કરોડો રૂપિયાની કામગીરી અને આયોજન વચ્ચે પીવાનું પાણી જ જાહેર રસ્તા પર કલાકો સુધી વહીને વેડફાય તે સ્થિતિ તંત્ર માટે ગંભીર વિરોધાભાસ ઊભો કરે છે.
પાણી બચાવવાની જરૂરિયાત માત્ર વરસાદી પાણી પૂરતી મર્યાદિત નથી. પીવાનું પાણી તૈયાર કરવા અને તેને લોકો સુધી પહોંચાડવા માટે પણ મોટી વ્યવસ્થા અને ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં પાણીની લાઇનમાં લીકેજ થાય અને લાંબા સમય સુધી તેનું સમારકામ ન કરવામાં આવે તો પાણીનો બગાડ અટકાવવાની પાલિકાની નીતિ પર સવાલ ઊભા થાય છે. જહાંગીરપુરામાં પાણી વિભાગના કેન્દ્રની બહાર જ આવી સ્થિતિ સર્જાઈ રહી હોવાના કારણે સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જો પાલિકાના પાણી વિભાગની નજર સામે જ ચેમ્બરોમાંથી પાણી લીક થતું હોય અને કલાકો સુધી પાણી રસ્તા પર વહેતું રહેતું હોય તો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કેમ કરવામાં આવતું નથી તે સવાલ પણ ઊઠી રહ્યો છે.
સ્થાનિકોની માગ છે કે પાલિકાના અધિકારીઓ સ્થળ પર તપાસ કરે અને પાણીની લાઇનોમાં જ્યાંથી લીકેજ થઈ રહ્યું છે તે સ્થળ શોધી તાત્કાલિક સમારકામ કરવામાં આવે. ચેમ્બરોના ઢાંકણાં પણ યોગ્ય રીતે બંધ કરવામાં આવે જેથી પાણી બહાર ન આવે અને કોઈ વ્યક્તિ ત્યાંથી બિનઅધિકૃત રીતે પાણી ભરીને લઈ જઈ ન શકે. જો જરૂરી હોય તો ચેમ્બરોની સુરક્ષા અને દેખરેખ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ છે. ખાસ કરીને સાંજના સમયે આ વિસ્તારમાં પાણીનો બગાડ વધુ પ્રમાણમાં થતો હોવાની ફરિયાદને ધ્યાનમાં લઈને પાલિકાએ સ્થળનું નિરીક્ષણ કરવું જરૂરી બન્યું છે. માત્ર લીકેજ બંધ કરવાથી નહીં, પરંતુ પાણીનો બિનજરૂરી ઉપયોગ કે બિનઅધિકૃત ભરાણ થતું હોય તો તેના પર પણ નિયંત્રણ લાવવાની જરૂર છે.
એક તરફ સુરતને પાણી બચત અને જળસંચયના ક્ષેત્રમાં આગળ લઈ જવા માટે પાલિકા દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને વરસાદી પાણીના સંચય પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બીજી તરફ પાલિકાના પાણી વિભાગની બહાર જ પીવાનું પાણી કલાકો સુધી વહીને વેડફાઈ રહ્યું હોવાની ફરિયાદ સામે આવે છે. આ સ્થિતિને માત્ર સામાન્ય લીકેજ ગણીને અવગણવાને બદલે તંત્રએ ગંભીરતાથી લેવાની જરૂર છે. પાણીની એક-એક બુંદ બચાવવાની વાત ત્યારે જ અસરકારક બનશે જ્યારે પાલિકાની પોતાની પાણીની વ્યવસ્થામાં પણ બગાડ અટકાવવા માટે કડક અને કાયમી પગલાં લેવામાં આવે.