યમનના હૂથી બળવાખોરોએ સાઉદી અરેબિયાના દક્ષિણ ભાગમાં આવેલા 3 શહેરો પર ફરી બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હોવાની માહિતી સામે આવી છે. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધનના જણાવ્યા મુજબ, બુધવારે સતત બીજા દિવસે અભા, ખામિસ મુશૈત અને જિઝાનને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં લશ્કરી ઠેકાણાં અને રાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનો પ્રયાસ થયો હતો. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે મધ્યપૂર્વમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે. ઈરાન સમર્થિત હૂથીઓ અને સાઉદી અરેબિયા વચ્ચે પણ તણાવ ફરી ઝડપથી વધી રહ્યો છે.
3 શહેરો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો
સાઉદી ગઠબંધનના જણાવ્યા મુજબ, હૂથીઓએ અભા, ખામિસ મુશૈત અને જિઝાન તરફ બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. આ વિસ્તારો સાઉદી અરેબિયાના દક્ષિણ ભાગમાં આવેલા છે અને અહીં મહત્વની લશ્કરી તથા ઊર્જા સંબંધિત સુવિધાઓ આવેલી છે. આ હુમલાના એક દિવસ પહેલાં હૂથીઓએ સાઉદી અરેબિયાના 4 શહેરોમાં મોટા પાયે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. તેમાં જિઝાનની સાઉદી અરામકોની સુવિધા સહિત તેલ સંબંધિત સ્થળો અને લશ્કરી ઠેકાણાંને નિશાન બનાવાયા હોવાના અહેવાલ છે. તે હુમલામાં ઓછામાં ઓછા 73 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
સાઉદી અરેબિયાએ હવાઈ હુમલા કર્યા
હૂથી હુમલા બાદ સાઉદી અરેબિયાએ પણ યમનમાં હૂથી નિયંત્રિત વિસ્તારો સામે જવાબી કાર્યવાહી શરૂ કરી છે. અમેરિકન એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, સાઉદી આગેવાની હેઠળના દળોએ યમનના અનેક પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા હતા. હૂથી સંચાલિત મીડિયાએ આ હુમલાઓમાં 32 લોકોના મોતનો દાવો કર્યો છે, જોકે સાઉદી સત્તાવાળાઓએ આ આંકડાની પુષ્ટિ કરી નથી. આ રીતે બંને તરફથી હુમલાઓ વધતા હવે લાંબા સમયથી શાંત પડેલા યમન-સાઉદી સંઘર્ષમાં ફરી મોટો વધારો થવાની આશંકા વધી છે.
2022ની શાંતિ બાદ ફરી વધ્યો તણાવ
યમનના હૂથી બળવાખોરો અને સાઉદી આગેવાની હેઠળના ગઠબંધન વચ્ચે વર્ષોથી સંઘર્ષ ચાલી રહ્યો છે. 2022માં સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીથી થયેલી સમજૂતી બાદ મોટા પાયે લડાઈમાં ઘટાડો થયો હતો. જોકે હવે હૂથીઓ દ્વારા સાઉદી અરેબિયાના તેલ અને લશ્કરી ઠેકાણાં પર સતત હુમલા શરૂ થતાં સ્થિતિ ફરી ગંભીર બની રહી છે. સાઉદી અરેબિયા યમનની આંતરરાષ્ટ્રીય માન્ય સરકારને સમર્થન આપે છે, જ્યારે હૂથીઓએ યમનના મોટા વિસ્તારો પર નિયંત્રણ જાળવી રાખ્યું છે.
તેલ પુરવઠા અને વૈશ્વિક બજાર પર અસરની ચિંતા
સાઉદી અરેબિયા દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંનું એક છે. હૂથી હુમલાઓમાં તેલ સંબંધિત માળખાને નિશાન બનાવવામાં આવતાં વૈશ્વિક ઊર્જા પુરવઠા અંગે પણ ચિંતા વધી છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, આ અઠવાડિયે થયેલા હુમલાઓમાં અનેક મિસાઈલ અને ડ્રોનથી સાઉદી અરેબિયાના ઊર્જા માળખા અને લશ્કરી ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યા છે. આ કારણે વૈશ્વિક તેલ બજાર પર પણ દબાણ વધ્યું છે.
હાલ સાઉદી અરેબિયાએ પોતાની સરહદ અને નાગરિકોની સુરક્ષા માટે જવાબી કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરી છે. બીજી તરફ હૂથીઓ પણ હુમલા ચાલુ રાખતા હોવાથી મધ્યપૂર્વમાં તણાવ વધુ વધે તેવી શક્યતા છે.