BRICS સમિટને લઈને નવી દિલ્હીમાં તૈયારીઓ તેજ બની ગઈ છે અને આ વખતે ભારત માટે આ બેઠક અનેક રીતે મહત્વપૂર્ણ બની શકે છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી છે કે શી જિનપિંગ 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર થઈ રહેલી આ મુલાકાતને ભારત-ચીન સંબંધોમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહી છે. શી જિનપિંગની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પણ શક્યતા છે. બંને નેતાઓ અગાઉ આંતરરાષ્ટ્રીય મંચો પર મુલાકાત કરી ચૂક્યા છે, પરંતુ આગામી બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો સાથે સરહદ, વેપાર અને પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ મહત્વના બની શકે છે. ઓક્ટોબર 2024માં રશિયાના કઝાનમાં યોજાયેલી BRICS સમિટ દરમિયાન પણ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી. આ ઉપરાંત કિર્ગિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની સમિટ દરમિયાન બંને નેતાઓએ મંચ શેર કરીને હાથ મિલાવ્યા હતા, પરંતુ તે સમયે સત્તાવાર દ્વિપક્ષીય બેઠક થઈ નહોતી.
શી જિનપિંગનો આ ભારત પ્રવાસ 2019 બાદનો પ્રથમ પ્રવાસ હશે. 2019માં તેઓ વડાપ્રધાન મોદી સાથે અનૌપચારિક સમિટ માટે ચેન્નાઈ નજીક મામલ્લાપુરમ આવ્યા હતા. તે પહેલાં 2014માં જિનપિંગ ભારતની મુલાકાતે આવ્યા હતા. 2016માં ગોવામાં યોજાયેલી BRICS સમિટમાં પણ તેમણે ભાગ લીધો હતો. હવે લગભગ સાત વર્ષ બાદ તેઓ ફરી ભારત આવી રહ્યા છે. ભારત અને ચીનના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી મોટો પડકાર સરહદ વિવાદ રહ્યો છે. જૂન 2020માં લદ્દાખની ગલવાન ઘાટીમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતના 20 જવાનો વીરગતિ પામ્યા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચેનો તણાવ લાંબા સમય સુધી યથાવત રહ્યો હતો. LAC પર અનેક વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી વધી હતી અને બંને દેશો વચ્ચે રાજદ્વારી તથા સૈન્ય સ્તરે સતત ચર્ચાઓ થઈ હતી.
ત્યારબાદ બંને પક્ષોએ LACના કેટલાક વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયા હાથ ધરીને સ્થિતિ સામાન્ય બનાવવાના પ્રયાસો કર્યા છે. જોકે, ભારત અને ચીન વચ્ચેનો સમગ્ર સરહદી વિવાદ હજુ સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. આવી સ્થિતિમાં શી જિનપિંગની ભારત મુલાકાત અને મોદી સાથે સંભવિત દ્વિપક્ષીય બેઠકનું મહત્વ વધી જાય છે. શી જિનપિંગની મુલાકાત પહેલાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ચીનની મુલાકાતે ગયા હતા. બંને દેશો વચ્ચે સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા માટે વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન અને વિશેષ પ્રતિનિધિઓના સ્તરે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આગામી ઉચ્ચ સ્તરીય ચર્ચામાં LAC પર શાંતિ અને સ્થિરતા જાળવવા ઉપરાંત સરહદ વિવાદ, વેપાર-રોકાણ અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો જેવા મુદ્દાઓ પર વાતચીત થઈ શકે છે.
આ વખતે BRICS સમિટનું મહત્વ માત્ર ભારત-ચીન સંબંધો પૂરતું મર્યાદિત નથી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અસ્થિરતા, અમેરિકા દ્વારા લેવામાં આવેલા ટેરિફ સંબંધિત પગલાં અને રશિયા-યુક્રેન યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ભારત, ચીન અને રશિયા જેવા મોટા દેશોના નેતાઓ એક જ મંચ પર આવવાના છે. આવી સ્થિતિમાં સમિટ દરમિયાન વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય રાજકારણ સાથે જોડાયેલા અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
વિશ્વના અનેક મોટા નેતાઓ દિલ્હીમાં પહોંચવાના હોવાથી રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ જ કડક કરવામાં આવી છે. એરપોર્ટ, હોટલો અને સમિટના મુખ્ય સ્થળ ભારત મંડપમ સહિત મહત્વપૂર્ણ વિસ્તારોમાં આશરે 30 હજાર સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. તેમાં દિલ્હી પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોના જવાનોનો પણ સમાવેશ થાય છે. VIP રૂટથી લઈને કાર્યક્રમ સ્થળ સુધી સુરક્ષાની અનેક સ્તરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચીન અને રશિયાના નેતાઓની સુરક્ષા માટે બંને દેશોની પોતાની એડવાન્સ સુરક્ષા ટીમો પણ દિલ્હી પહોંચી ગઈ છે. આ ટીમો અત્યાધુનિક સુરક્ષા સાધનો સાથે નેતાઓ જ્યાં રોકાવાના છે તે હોટલમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી રહી છે. હોટલના ગ્રાઉન્ડ ફ્લોર, રૂફટોપ અને જે માળ પર રાષ્ટ્રપ્રમુખોના રૂમ હશે ત્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
દિલ્હી પોલીસે સંબંધિત લક્ઝરી હોટલના કર્મચારીઓનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન પણ કર્યું છે. કર્મચારીઓના વર્તમાન સ્થળ ઉપરાંત તેમના મૂળ રાજ્યના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમિટ દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા ખામી ન રહે તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે. શી જિનપિંગની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે. બીજી તરફ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન જ્યાં રોકાશે ત્યાં પણ અલગથી ઉચ્ચ સ્તરની સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. એક એડિશનલ DCP અને બે ACP અલગ-અલગ શિફ્ટમાં સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ રાખશે.
રશિયા અને ચીન બંને પોતાના રાષ્ટ્રપ્રમુખોની સુરક્ષા માટે વિશેષ વાહનો અને કાફલો પણ ભારત લાવવાના છે. બંને દેશોના વિશેષ વિમાનો મારફતે સુરક્ષા વાહનો અને લક્ઝરી કાર સહિતનો કાફલો દિલ્હી પહોંચશે. વિદેશી નેતાઓના પ્રતિનિધિમંડળોમાં આ બંને દેશોના સુરક્ષા કાફલા સૌથી મોટા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુરક્ષા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિદેશી મહાનુભાવોના રોકાણ માટે નવી દિલ્હી અને ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી અલગ-અલગ લક્ઝરી હોટલોની પસંદગી કરવામાં આવી છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન 11 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચશે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 સપ્ટેમ્બરે પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતરાણ કરશે.
BRICS સમિટના મુખ્ય કાર્યક્રમ સ્થળ ભારત મંડપમ સુધી નેતાઓના કાફલાના આવાગમનને લઈને દિલ્હી ટ્રાફિક પોલીસે પણ ખાસ તૈયારીઓ કરી છે. VIP રૂટની સુરક્ષા ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે અગાઉથી રિહર્સલ પણ કરવામાં આવ્યા છે. સમિટ દરમિયાન સુરક્ષા કારણોસર કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર થવાની શક્યતા છે. કાર્યક્રમના પ્રોટોકોલ મુજબ શનિવારે તમામ રાષ્ટ્રાધ્યક્ષો અને સરકારના વડાઓ બપોરે આશરે દોઢથી સવા બે વાગ્યાની વચ્ચે ભારત મંડપમ પહોંચશે. બીજા દિવસે એટલે કે રવિવારે સવારે આશરે 8.50થી 9.25 વચ્ચે મહાનુભાવોના કાફલા કાર્યક્રમ સ્થળે પહોંચવાના છે. UAEના ક્રાઉન પ્રિન્સ બંને દિવસે સ્થળ પર પહોંચનારા પ્રથમ નેતા હશે, જ્યારે ચીનના રાષ્ટ્રપતિ બાદ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સૌથી છેલ્લે ભારત મંડપમમાં પ્રવેશ કરશે.
આમ, BRICS સમિટ ભારત માટે માત્ર એક આંતરરાષ્ટ્રીય બેઠક નહીં પરંતુ કૂટનીતિની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ બની રહી છે. ખાસ કરીને 2019 બાદ પ્રથમ વખત શી જિનપિંગ ભારત આવી રહ્યા હોવાથી સમગ્ર વિશ્વની નજર મોદી-જિનપિંગ સંભવિત મુલાકાત પર રહેશે. સરહદ પરનો તણાવ ઘટાડવા, બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ વધારવા તથા વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવા માટે આ મુલાકાત કેટલું મહત્વનું પરિણામ આપે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. બીજી તરફ પુતિન અને જિનપિંગ સહિતના વૈશ્વિક નેતાઓના આગમનને કારણે દિલ્હી હાલમાં હાઈ-સિક્યોરિટી ઝોનમાં ફેરવાઈ ગયું છે.