Business

Apple Store અચાનક બંધ, iPhone 17 Pro માટે આજનો દિવસ છેલ્લો બની શકે, iPhone 18ની એન્ટ્રી પહેલાં મોટો ફેરફાર

Appleના નવા iPhoneની જાહેરાત પહેલાં કંપનીએ પોતાનું ઓનલાઈન સ્ટોર ઑફલાઇન કરી દીધું છે. 9 સપ્ટેમ્બરે યોજાનારા Appleના ખાસ કાર્યક્રમ પહેલાં સ્ટોર બંધ થવું કંપનીની જૂની પરંપરા છે. આ વખતે iPhone 18 Pro અને iPhone 18 Pro Max સાથે ફોલ્ડેબલ iPhoneની પણ જાહેરાત થવાની શક્યતા છે. નવા મોડલ આવ્યા બાદ iPhone 17 Pro અને iPhone 17 Pro Maxને Appleની સત્તાવાર લાઇનઅપમાંથી હટાવવામાં આવી શકે છે. Apple સામાન્ય રીતે નવી Pro સિરીઝ રજૂ થયા બાદ અગાઉની પેઢીના Pro અને Pro Max મોડલને પોતાની સત્તાવાર વેબસાઇટ પરથી હટાવી દે છે. આ જ પેટર્નને જોતા iPhone 18 Pro અને Pro Maxની જાહેરાત બાદ iPhone 17 Pro તથા 17 Pro Maxનું વેચાણ Appleના સત્તાવાર સ્ટોર પર બંધ થવાની શક્યતા છે. જોકે, કંપનીએ અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

Apple Store કેમ થયું ઑફલાઇન ?
Apple જ્યારે નવા પ્રોડક્ટ્સ રજૂ કરવાની હોય ત્યારે થોડા સમય માટે પોતાનું ઓનલાઈન સ્ટોર બંધ કરે છે. નવી પ્રોડક્ટ્સની કિંમતો, ઉપલબ્ધતા અને જૂના મોડલની લાઇનઅપમાં ફેરફાર કરવા માટે આવું કરવામાં આવે છે. 9 સપ્ટેમ્બરના Apple ઇવેન્ટ પહેલાં પણ આવું જ થયું છે. ભારતીય સમય પ્રમાણે કાર્યક્રમ રાત્રે 10:30 વાગ્યે શરૂ થવાનો છે. આ ઇવેન્ટ ખાસ પણ છે, કારણ કે નવા CEO John Ternusના નેતૃત્વમાં આ પહેલો મોટો Apple લોન્ચ કાર્યક્રમ છે. iPhone 18 Pro અને Pro Max ઉપરાંત Apple પોતાના પહેલા ફોલ્ડેબલ iPhoneને પણ રજૂ કરી શકે છે. નવા Apple Watch અને AirPodsની પણ જાહેરાત થવાની શક્યતા છે.

iPhone 17 Pro ખરીદવા માગતા લોકો માટે શું ?
જો Apple પોતાની જૂની પરંપરા જાળવે છે તો iPhone 17 Pro અને 17 Pro Maxને નવા મોડલની જાહેરાત બાદ સત્તાવાર Apple લાઇનઅપમાંથી હટાવવામાં આવી શકે છે. જોકે તેનો અર્થ એવો નથી કે આ ફોન બજારમાંથી તરત ગાયબ થઈ જશે. Appleના સત્તાવાર વેચાણમાંથી હટ્યા બાદ પણ રિટેલર્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પાસે રહેલો સ્ટોક વેચાતો રહી શકે છે. આ કારણે હાલ iPhone 17 Pro અથવા Pro Max ખરીદવાનું વિચારી રહેલા ગ્રાહકો માટે આજનો દિવસ મહત્વનો બની શકે છે. ખાસ કરીને iPhone 17 Proના Cosmic Orange કલર અંગે પણ અહેવાલો છે કે નવા Pro મોડલ આવ્યા બાદ આ રંગ લાઇનઅપમાંથી દૂર થઈ શકે છે.

હાલ Appleની વેબસાઇટ પર શું છે ?
રસપ્રદ વાત એ છે કે Appleની ભારતીય વેબસાઇટ પર હાલ iPhone 17 Pro અને iPhone 17 Pro Maxની ખરીદીનો વિકલ્પ દેખાઈ રહ્યો છે. iPhone 17 Proની શરૂઆતની કિંમત ₹1,34,900 છે. એટલે નવા iPhone 18 Proની જાહેરાત પહેલાં આ મોડલ હજુ સત્તાવાર રીતે વેચાણમાં છે. Appleની અગાઉની રીતને જોતા નવી Pro સિરીઝ આવ્યા બાદ જૂની Pro સિરીઝને સત્તાવાર લાઇનઅપમાં સાથે રાખવામાં આવતી નથી. ગયા વર્ષે iPhone 17 સિરીઝ આવ્યા બાદ iPhone 16 Pro અને 16 Pro Maxને પણ સત્તાવાર લાઇનઅપમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે, જૂના મોડલનો સ્ટોક અન્ય વેચાણકર્તાઓ પાસે થોડા સમય સુધી ઉપલબ્ધ રહી શકે છે.
હવે Appleના આજના ઇવેન્ટ બાદ જ સ્પષ્ટ થશે કે iPhone 17 Pro અને Pro Maxને સત્તાવાર રીતે હટાવવામાં આવે છે કે નહીં. પરંતુ Apple Storeનું ઇવેન્ટ પહેલાં ઑફલાઇન થવું અને અગાઉની લાઇનઅપની પેટર્નને જોતા આ બંને મોડલ માટે મોટો ફેરફાર થવાની શક્યતા વધી ગઈ છે.

Most Popular

To Top