Vadodara

ઈદેમિલાદના જુલુસમાં ડીજે ધમાલ ભારે પડી: ડભોઇ પોલીસે 4 DJ સંચાલકો સામે ફરિયાદ નોંધાવી!

સરકારી પરવાનગી છતાં નિયમોના ભંગનો આક્ષેપ, DJ સિસ્ટમ જપ્ત
વાહનો મોડિફાઈ કરી ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિક અડચણ ઉભી કર્યાનો આરોપ

ડભોઇ: ડભોઇ શહેરમાં ગત 26-8-2026ના રોજ યોજાયેલા ઈદેમિલાદના જુલુસ દરમિયાન ડી.જે. વગાડવાના મામલે ડભોઇ પોલીસે ચાર ડી.જે. સાઉન્ડ સંચાલકો સામે ફરિયાદ નોંધતાં શહેરમાં ચકચાર મચી છે. પોલીસે ધ્વનિ પ્રદૂષણ સહિતના નિયમોના ભંગ અને જાહેર વ્યવસ્થાને અસર પહોંચાડવાના આક્ષેપો હેઠળ કાર્યવાહી કરી ડી.જે. સિસ્ટમ જપ્ત કરી છે.
બનાવની વિગતો મુજબ, ઈદેમિલાદના જુલુસ દરમિયાન વૈભવ ડી.જે. સાઉન્ડના ઓપરેટર અજય અરવિંદ ઓડ (રહે. બોડેલી), પાટીલ ડી.જે. સાઉન્ડના ઓપરેટર હિમાંશુ યોગેશ પવાર (રહે. તરસાલી, વડોદરા), સ્નાઈપર ડી.જે. સાઉન્ડના ઓપરેટર મિત અશોક માછી (રહે. નવા માંડવા, ચાંદોદ) અને જે.આર.ડી. કિંગ ડી.જે. સાઉન્ડના ઓપરેટર સાહિલ સુરેશ બારીયા (રહે. નારણપુરા, તા. ડભોઇ) દ્વારા ડી.જે. વગાડવામાં આવ્યો હતો.
પોલીસ ફરિયાદ મુજબ, ડી.જે. વગાડવા માટે નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પરવાનગી હોવા છતાં સંચાલકોએ નિયમોનો ભંગ કર્યો હતો. ડી.જે. સિસ્ટમ પર કેટલાક વ્યક્તિઓને બેસાડવામાં આવ્યા હતા અને વાહનોમાં ફેરફાર કરી વધુ પડતી સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી હોવાનો આક્ષેપ છે.
આ ઉપરાંત, આ કૃત્યથી પોતાની તથા અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાય તેવી સ્થિતિ ઊભી કરવા તેમજ ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા અને ટ્રાફિકમાં અડચણ ઊભી કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
પોલીસે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના નિર્દેશો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ધ્વનિ પ્રદૂષણ સંબંધિત નિયમો તથા જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 અને ગુજરાત પોલીસ એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ બહાર પાડવામાં આવેલા જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.
આ મામલે BNSની કલમ 281, 292, 223 તથા મોટર વાહન અધિનિયમની કલમ 184 અને 194-A સહિતની જોગવાઈઓ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ડભોઇ જેવા નાનકડા શહેરમાં ચાર ડી.જે. સંચાલકો સામે થયેલી આ કાર્યવાહીને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. હવે પોલીસ તપાસમાં આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Most Popular

To Top