ધુમાડાના ગોટેગોટાથી વાહનચાલકોમાં અફરાતફરી, મોટી જાનહાનિ ટળી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.10
વડોદરા શહેરના પોશ વિસ્તાર ગણાતા ગોત્રી રોડ પર આજે વહેલી સવારે કચરાના ઢગલામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેથી આગના કારણે નીકળેલા ધુમાડાના ગોટેગોટાથી વાહનચાલકોમાં અફરાતફરી મચી હતી.
મુખ્ય માર્ગને અડીને પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા આખા રોડ પર પ્રસરી ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે તેની લપેટ નજીકમાં આવેલા વીજળીના થાંભલા સુધી પહોંચી ગઈ હતી. આ ઘટનાને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં ક્ષણભર માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ ઘટના વહેલી સવારે બની હોવાથી રસ્તા પર ટ્રાફિક ઓછો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. રસ્તા કિનારે કચરાના ઢગલા કોણે અને શા માટે સળગાવ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.