ગુજરાતના વેપારીઓ અને વ્યવસાયિક એકમો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં દુકાન, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, ગેરેજ અને શોરૂમ સહિતના અનેક વ્યવસાયિક એકમો 24 કલાક ચાલુ રાખી શકાશે. રાજ્ય સરકારે ગુમાસ્તા ધારા એટલે કે Shop and Establishment Actમાં મહત્વનો સુધારો કર્યો છે. વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે આ સુધારો રજૂ કરવામાં આવ્યો હતો. નવા સુધારા બાદ માત્ર દુકાન અથવા વ્યવસાયિક એકમ નિર્ધારિત સમય બાદ ખુલ્લો હોવાના કારણસર પોલીસ કે સ્થાનિક સત્તાધિકારી તેને બંધ કરાવી શકશે નહીં. જોકે, 24 કલાક વ્યવસાય ચાલુ રાખવાની છૂટનો અર્થ એ નથી કે અન્ય તમામ નિયમોમાંથી મુક્તિ મળી જશે. દુકાનદારો અને સંચાલકોએ સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર સલામતી તેમજ અન્ય લાગુ પડતા નિયમોનું પાલન કરવું પડશે.
અત્યાર સુધી રાજ્યમાં દુકાનો અને વ્યવસાયિક એકમોના ખુલવાના અને બંધ થવાના સમય અંગે નિયંત્રણ હતું. મહાનગરપાલિકા વિસ્તાર, હોસ્પિટલ, નેશનલ હાઇવે, રેલવે સ્ટેશન, પેટ્રોલપંપ અને બસ સ્ટેશન જેવા કેટલાક સ્થળોને અલગ જોગવાઈઓ હેઠળ છૂટ આપવામાં આવી હતી. જ્યારે નગરપાલિકા અને રાજ્ય ધોરીમાર્ગના વિસ્તારોમાં રાત્રે 2 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની જોગવાઈ હતી. અન્ય વિસ્તારોમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવાની સમયમર્યાદા હતી. હવે નવા સુધારા બાદ આ સમયમર્યાદા દૂર કરવામાં આવશે. એટલે વેપારીઓ પોતાની જરૂરિયાત અને વ્યવસાયની સ્થિતિ પ્રમાણે દુકાન કે વ્યવસાયિક એકમને 24 કલાક ચાલુ રાખી શકશે. ખાસ કરીને રેસ્ટોરન્ટ, કાફે, હોટલ, મોલ, શોરૂમ અને અન્ય એવા વ્યવસાયો માટે આ નિર્ણય મહત્વનો બની શકે છે જ્યાં મોડી રાત સુધી ગ્રાહકોની અવરજવર રહેતી હોય.
જોકે, દુકાન 24 કલાક ખુલ્લી રાખવાની મંજૂરી અને કર્મચારીઓ પાસે 24 કલાક કામ કરાવવાની મંજૂરી બંને અલગ બાબતો છે. કર્મચારીઓના કામના કલાકો, સાપ્તાહિક રજા, આરામનો સમય અને સલામતી સહિતના તેમના કાયદાકીય હકો યથાવત્ રહેશે. એટલે વ્યવસાયિક એકમ લાંબા સમય સુધી ખુલ્લો રહી શકે છે, પરંતુ કર્મચારીઓ પાસેથી કાયદાની મર્યાદા કરતાં વધુ કામ કરાવી શકાશે નહીં. ગુમાસ્તા કાયદામાં માત્ર વ્યવસાયના સમય અંગે જ નહીં, પરંતુ નોંધણી પ્રક્રિયાને લઈને પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દુકાનો અને વ્યવસાયિક એકમોની નોંધણી માટે સેલ્ફ ડિક્લેરેશન અને સેલ્ફ-સર્ટિફાઇડ દસ્તાવેજોના આધારે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. નોંધણી પ્રક્રિયામાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા દૂર કરવાની પણ જોગવાઈ છે.
આ ફેરફારનો હેતુ વેપારીઓ માટે સરકારી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. અત્યાર સુધી દુકાન કે વ્યવસાયિક એકમની નોંધણી માટે વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. હવે સેલ્ફ ડિક્લેરેશન આધારિત પ્રક્રિયા થવાથી વેપારીઓને સમય બચવાની અને સરકારી કચેરીઓના ધક્કા ઓછા થવાની શક્યતા છે. રાજ્ય સરકારે આ સાથે જમીનના વ્યવહારોને લગતા નિયમોમાં પણ મહત્વનો સુધારો કર્યો છે. જમીન મહેસૂલ કોડમાં કરવામાં આવેલા ફેરફાર મુજબ ચોક્કસ શરતો પૂરી થતી હોય તેવા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના કિસ્સામાં મ્યુટેશન એન્ટ્રી એટલે કે નામચઢતરની કાર્યવાહી એ જ દિવસે નોંધાવીને પ્રમાણિત કરી શકાશે.
હાલમાં જમીનનું વેચાણ થયા બાદ રેકોર્ડમાં નામ બદલવાની પ્રક્રિયામાં સમય લાગી શકે છે. હિત ધરાવતા લોકોને નોટિસ આપવી, વાંધા રજૂ કરવાની તક આપવી અને ત્યારબાદ કાર્યવાહી કરવાની પ્રક્રિયાના કારણે નામચઢતરમાં વિલંબ થતો હતો. નવા સુધારા બાદ જો જમીનના વ્યવહારમાં કોઈ વિવાદ ન હોય અને જરૂરી શરતો પૂર્ણ થતી હોય તો નામચઢતરની પ્રક્રિયા ઝડપી બનાવી શકાશે. આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક મહત્વની શરતો પણ રાખવામાં આવી છે. વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોય તેના ઓછામાં ઓછા એક વર્ષ અગાઉથી રેકોર્ડ ઓફ રાઇટ્સમાં કોઈ ફેરફાર થયેલો ન હોવો જોઈએ. ઉપરાંત રેકોર્ડમાં જે તમામ વ્યક્તિઓના નામ નોંધાયેલા હોય તે તમામ વ્યક્તિઓએ વેચાણ દસ્તાવેજ કર્યો હોવો જરૂરી રહેશે.
આ ઉપરાંત વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હોય તે તારીખે જમીનને લઈને કોર્ટ, ટ્રિબ્યુનલ અથવા અન્ય સક્ષમ સત્તા સમક્ષ કોઈ વિવાદ કે કાર્યવાહી પેન્ડિંગ ન હોવી જોઈએ. એટલે વિવાદિત અથવા કાયદાકીય કાર્યવાહી હેઠળ આવેલી જમીનના કિસ્સામાં આ ઝડપી પ્રક્રિયાનો લાભ નહીં મળી શકે. રાજ્ય સરકારે જૂના જમીન વ્યવહારોને લઈને પણ મહત્વનો નિર્ણય કર્યો છે. ‘ટુકડા જમીન ધારા-1947’માં સુધારો કરીને 29 જાન્યુઆરી 1948થી 31 માર્ચ 2026 વચ્ચે કાયદાની જોગવાઈઓના ભંગ સાથે થયેલા જમીનના વિભાજન અથવા ટ્રાન્સફરના કેટલાક વ્યવહારોને નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ સુધારાથી લાંબા સમયથી જમીનના નાના ટુકડાઓને લઈને અટવાયેલા માલિકોને રાહત મળવાની શક્યતા છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વારસાગત વિભાજનના કારણે જમીનના નાના ટુકડા બન્યા હોય તેવા કિસ્સાઓમાં અત્યાર સુધી અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હતી. આવા જમીનના ટુકડાઓ માટે બિનખેતી ઉપયોગની મંજૂરી મેળવવામાં પણ અડચણો આવતી હતી નવા સુધારા હેઠળ નિર્ધારિત સમયગાળા દરમિયાન કાયદાની જોગવાઈઓના ભંગ સાથે થયેલા આવા જમીન વિભાજન અથવા ટ્રાન્સફરના વ્યવહારોને દંડ અથવા પ્રીમિયમ વસૂલ્યા વગર નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આવા વ્યવહારોને લગતા પડતર કેસોને રદ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
સરકારને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જમીન માટે ‘સ્ટાન્ડર્ડ એરિયા’ નક્કી કરવાની સત્તા આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આથી અલગ-અલગ વિસ્તારોની જરૂરિયાત પ્રમાણે જમીનના ટુકડાઓને લગતા નિયમોમાં વ્યવહારુ ફેરફાર કરવાની તક મળી શકે છે. આમ, વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે કરવામાં આવેલા આ સુધારાઓમાં વેપારીઓ અને જમીન માલિકો બંને માટે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. એક તરફ દુકાન, મોલ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે અને અન્ય વ્યવસાયિક એકમોને 24 કલાક ચાલુ રાખવાનો માર્ગ ખુલ્યો છે, તો બીજી તરફ દુકાનોની નોંધણી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. સાથે જ વિવાદમુક્ત જમીનના વ્યવહારોમાં નામચઢતરની પ્રક્રિયા ઝડપી કરવાની અને વર્ષો જૂના ચોક્કસ જમીન વ્યવહારોને નિયમિત કરવાની જોગવાઈથી જમીન માલિકોને પણ રાહત મળી શકે છે. જોકે, 24 કલાક વ્યવસાય ચલાવવાની છૂટ હોવા છતાં વેપારીઓએ સ્વચ્છતા, સલામતી, ટ્રાફિક અને કર્મચારીઓના કાયદાકીય અધિકારોને લગતા નિયમોનું પાલન કરવું પડશે.