ભારતમાં બેંકિંગ વ્યવસ્થામાં ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યો છે. 1891થી અમલમાં રહેલા Bankers’ Books Evidence Actને હવે નવા કાયદાથી બદલવામાં આવશે. કેન્દ્રના નાણા મંત્રાલયે Bankers’ Books Evidence Act, 2026ને 1 ઓક્ટોબર, 2026થી અમલમાં મૂકવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી 13 ઓગસ્ટે મળી હતી. હવે 135 વર્ષથી વધુ જૂના કાયદાના સ્થાને નવો કાયદો અમલમાં આવશે. બદલાતી બેંકિંગ પદ્ધતિ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ક્લાઉડ ટેક્નોલોજીને ધ્યાનમાં રાખીને નવા કાયદામાં બેંકિંગ રેકોર્ડની વ્યાખ્યા અને તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે.
સૌથી મોટો ફેરફાર ડિજિટલ રેકોર્ડને લઈને કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જૂના કાયદાની રચના એવા સમયગાળામાં થઈ હતી જ્યારે બેંકિંગ રેકોર્ડ મુખ્યત્વે કાગળ પર જાળવવામાં આવતા હતા. હવે બેંકિંગ ક્ષેત્રમાં લગભગ દરેક પ્રક્રિયા ડિજિટલ બની રહી છે. ગ્રાહકોના ટ્રાન્ઝેક્શનથી લઈને લોન, ખાતાની વિગતો, પેમેન્ટ અને અન્ય નાણાકીય માહિતી મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં સંગ્રહિત થાય છે. નવા કાયદામાં આ બદલાવને કાયદાકીય માળખામાં સામેલ કરવામાં આવ્યો છે. હવે ફિઝિકલ રેકોર્ડની સાથે ઇલેક્ટ્રોનિક, ડિજિટલ, વર્ચ્યુઅલ અને ક્લાઉડ આધારિત રેકોર્ડને પણ ‘bankers’ books’ હેઠળ માન્યતા આપવામાં આવી છે.
એટલું જ નહીં, બેંકના બેકઅપ સર્વર અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર સંગ્રહિત રેકોર્ડ પણ આ વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે બેંકિંગ ડેટા કયા ટેક્નોલોજીકલ માધ્યમમાં સંગ્રહિત છે તેના આધારે તેને માત્ર એટલા માટે પુરાવા તરીકે નકારી શકાશે નહીં. નવા કાયદામાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડની પ્રમાણિકતા અને વિશ્વસનીયતા જાળવવા માટે અલગ સર્ટિફિકેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફિઝિકલ રેકોર્ડ માટે First Schedule હેઠળ અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે Second Schedule હેઠળ પ્રમાણપત્ર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પ્રમાણપત્ર માત્ર મેન્યુઅલ સહીથી જ નહીં પરંતુ Information Technology Act, 2000 હેઠળ માન્ય ડિજિટલ અથવા ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષરથી પણ પ્રમાણિત કરી શકાશે. આ વ્યવસ્થા ડિજિટલ બેંકિંગ રેકોર્ડને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવે છે. ખાસ વાત એ છે કે કોઈ બેંકિંગ રેકોર્ડ માત્ર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ છે એટલા માટે તેની પુરાવા તરીકેની સ્વીકાર્યતા નકારી શકાશે નહીં. જોકે રેકોર્ડની ઓથેન્ટિસિટી એટલે કે તે સાચો છે કે નહીં, તેની ઇન્ટિગ્રિટી એટલે કે તેમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં અને તેની સાયબર સુરક્ષા જળવાઈ છે કે નહીં, તે બાબતો માટે જરૂરી સુરક્ષાત્મક જોગવાઈઓ કરવામાં આવી છે.
નવા કાયદામાં બેંકના અધિકારીઓને કોર્ટમાં બોલાવવા અંગે પણ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જો કોઈ બેંક કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીનો પક્ષકાર ન હોય તો તેના અધિકારીને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ પાઠવવામાં કેટલીક મર્યાદા રાખવામાં આવી છે. આવા કિસ્સામાં કોર્ટને અધિકારીને સમન્સ પાઠવવા માટે ‘special cause’ લેખિતમાં નોંધવું પડશે. નવા કાયદામાં ‘special cause’નો અર્થ પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આથી બેંકના અધિકારીઓને માત્ર સામાન્ય કારણોસર કોર્ટમાં બોલાવવાની પ્રક્રિયા પર નિયંત્રણ આવશે અને જરૂરી હોય ત્યારે જ તેમની હાજરી અથવા રેકોર્ડની જરૂરિયાત ઊભી થશે.
નવા કાયદાની બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેની જોગવાઈઓને ભવિષ્યમાં નાણાકીય ક્ષેત્રની અન્ય સંસ્થાઓ સુધી પણ વિસ્તારી શકાય છે. કેન્દ્ર સરકારને નોટિફિકેશન દ્વારા ચોક્કસ નાણાકીય સંસ્થાઓ અથવા સંસ્થાઓના વર્ગો પર આ કાયદાની જોગવાઈઓ લાગુ કરવાની સત્તા આપવામાં આવી છે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ જૂના કાયદાને આજની ટેક્નોલોજી અને આધુનિક બેંકિંગ વ્યવસ્થા સાથે સુસંગત બનાવવાનો છે. 1891માં બનાવવામાં આવેલા કાયદામાં આજના ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ બેંકિંગ, ઇલેક્ટ્રોનિક ડેટા અને ડિઝાસ્ટર રિકવરી જેવી વ્યવસ્થાઓ સ્વાભાવિક રીતે સામેલ ન હતી. નવા કાયદામાં આ તમામ બદલાવને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.
ડિજિટલ બેંકિંગના વધતા ઉપયોગ વચ્ચે કોર્ટમાં બેંકિંગ રેકોર્ડ રજૂ કરવાની પ્રક્રિયા સ્પષ્ટ હોવી પણ જરૂરી બની છે. ગ્રાહકો અને બેંકો વચ્ચેના વિવાદો, નાણાકીય છેતરપિંડી, ટ્રાન્ઝેક્શન સંબંધિત કેસો અથવા અન્ય કાનૂની કાર્યવાહી દરમિયાન બેંકના ડિજિટલ રેકોર્ડ મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે. નવા કાયદાથી આવા રેકોર્ડને કાયદાકીય માળખામાં વધુ સ્પષ્ટ સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ, આ સુધારાનો હેતુ ટેક્નોલોજીકલ પરિવર્તન અને બદલાતી આર્થિક જરૂરિયાતો સાથે કાયદાને આધુનિક બનાવવાનો છે. સાથે જ નાણાકીય ક્ષેત્રમાં કાર્યક્ષમતા વધારવા અને Ease of Doing Businessને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર, 2026થી નવો કાયદો અમલમાં આવ્યા બાદ બેંકોના કાગળ આધારિત રેકોર્ડની સાથે ડિજિટલ અને ક્લાઉડમાં સંગ્રહિત માહિતી માટે પણ સ્પષ્ટ કાયદાકીય માળખું ઉપલબ્ધ થશે. એટલે બેંકિંગ વ્યવસ્થા જેટલી ઝડપથી ડિજિટલ બની રહી છે, તેટલી જ ઝડપથી તેને અનુરૂપ કાયદાકીય વ્યવસ્થા પણ બદલાઈ રહી છે.