SURAT

સુરતના પૂરથી નુકસાન વેઠનારા વેપારીઓને રાજય સરકાર આપશે વળતર અને સસ્તી લોન

સુરતમાં 6 જુલાઈએ પડેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વેપારીઓ તથા પરિવારોને રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં દુકાનો, ગોડાઉન અને ધંધાના સ્થળોમાં લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. આ નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ વેપારીઓને 7,500થી લઈને 1 લાખ સુધીની સીધી આર્થિક સહાય ઉપરાંત ફરીથી વ્યવસાય શરૂ કરવા માટે 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાય પણ આપવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણય મુજબ, વીમા સુરક્ષા વગર નુકસાન સહન કરનારા નાના વેપારીઓ અને ધંધાર્થીઓને વિશેષ રાહત આપવામાં આવશે. લારી અને રેકડી ચલાવતા અસરગ્રસ્ત લોકોને 7,500ની સહાય આપવામાં આવશે, જેથી તેઓ ઝડપથી પોતાનો રોજગાર ફરી શરૂ કરી શકે.

રાહત પેકેજમાં વિવિધ પ્રકારના વેપારીઓ માટે અલગ-અલગ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. 40 ફૂટ સુધીની કેબિન ધરાવતા વેપારીઓને 25 હજાર, જ્યારે 40 ફૂટથી વધુ કદની કેબિન ધરાવતા વેપારીઓને 50 હજારની સહાય મળશે. ઉપરાંત, પાકી દુકાનોમાં નુકસાન થયેલા વેપારીઓને મહત્તમ 1 લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવશે. જોકે, આ સહાયનો લાભ એવા વેપારીઓને જ મળશે જેમણે છેલ્લા ત્રણ મહિનામાં નિયમિત રીતે GST રિટર્ન ભર્યા હશે. સરકારે માત્ર સીધી સહાય જ નહીં પરંતુ વેપારીઓને ફરીથી આર્થિક રીતે ઉભા કરવામાં મદદરૂપ થાય તે માટે લોન સહાય યોજનાની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ ત્રણ વર્ષ સુધી લોનના વ્યાજ પર 7 ટકા સુધીની સહાય રાજ્ય સરકાર આપશે.

લોન સહાય યોજનાના માપદંડ મુજબ, 7 લાખ સુધીના GST ટર્નઓવર ધરાવતા વેપારીઓને 20 લાખ સુધીની લોન અને 5 લાખ સુધીની વ્યાજ સહાય મળશે. 7.5 લાખ સુધીના ટર્નઓવર ધરાવતા વેપારીઓને 25 લાખ સુધીની લોન અને 8 લાખ સુધીની વ્યાજ સહાય આપવામાં આવશે. જ્યારે 7.5 લાખથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને 30 લાખ સુધીની લોન અને 10 લાખ સુધીની વ્યાજ સહાય મળશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે પણ કામગીરી તેજ કરવામાં આવી છે. અસરગ્રસ્તોને કેશ ડોલ અને ઘરવખરી સહાય ઝડપથી મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓ ઝડપથી સામાન્ય બને તે માટે ડોર-ટુ-ડોર આરોગ્ય તપાસ, મેડિકલ કેમ્પ અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી 9 હજારથી વધુ સ્વચ્છતા કર્મચારીઓ સતત શહેરમાં સફાઈ અને આરોગ્ય સંબંધિત કામગીરીમાં જોડાયેલા છે.

રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશ ડોલ અને ઘરવખરી સહાયની ચૂકવણી કરી દીધી છે. ખાસ વાત એ છે કે પ્રથમ માળે રહેતા અને તેમના ઘરમાં પાણી ન ભરાયું હોવા છતાં પૂર દરમિયાન રોજગાર પર અસર પડવાના કારણે કામ પર જઈ શક્યા ન હોય તેવા લોકોને પણ સહાય આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ અને પરિવારોને મોટી રાહત મળી છે અને તેઓ ફરી સામાન્ય જીવન અને વ્યવસાય તરફ આગળ વધી શકે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

Most Popular

To Top