ફી પોર્ટલ, હોસ્ટેલ એપ્રુવલ, ગર્લ્સ કોમન રૂમ અને સ્વચ્છતા પ્રશ્ને રજૂઆત
નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી



( પ્રતિનિધિ )વડોદરા,તા.14
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પડી રહેલી વિવિધ સમસ્યાઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એબીવીપીએ તમામ મુદ્દાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઇન્ટર્નલ માર્ક અને એસેસમેન્ટ પ્રક્રિયામાં વિલંબ, ફી પેમેન્ટના પોર્ટલમાં મુશ્કેલી, ગર્લ્સ કોમન રૂમમાં પૂરતી સુવિધાઓનો અભાવ, ફેકલ્ટીમાં સ્વચ્છતા અને આરોગ્યના પ્રશ્નો તેમજ સેમેસ્ટર-1ના પરિણામમાં થયેલ વિલંબ જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. એબીવીપીના અધ્યક્ષ વેદ ત્રિવેદીએ જણાવ્યું કે આર્ટસ ફેકલ્ટીમાં વોશરૂમની સમસ્યા વારંવાર ઉઠે છે. ઉપરાંત સેશન અને લેક્ચર શરૂ થઈ ગયા છે, પરંતુ દૂરથી આવતા વિદ્યાર્થીઓનું ફી પેમેન્ટનું પોર્ટલ અને ફેકલ્ટી એપ્રુવલ હજુ શરૂ કરવામાં આવ્યું નથી. જેના કારણે વિદ્યાર્થીઓના લેક્ચર અને હોસ્ટેલમાં રહેવાની સુવિધા ખોરવાઈ રહી છે. યુનિવર્સિટી તંત્રને સાત દિવસમાં તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા તાકીદ કરવામાં આવી છે. સાથે જ ફેકલ્ટી એપ્રુવલ માટે 2 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં કાર્યવાહી નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.