સુરેલી રોડ પર ભારત સિલિકા કંપની નજીક ગમખ્વાર અકસ્માત
નિવૃત્ત પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ બાદ ગોધરા સિવિલમાં મૃત જાહેર કરાયા
કાલોલ;
વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરેલી રોડ પર ભારત સિલિકા કંપની નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતી ટ્રકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતાં 68 વર્ષીય નિવૃત્ત પોલીસ કર્મચારીનું કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સ્થળ પર છોડી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, હાલોલ તાલુકાના તારખંડા (ઉગમણું ફળિયું) ખાતે રહેતા કનકસિંહ સોમસિંહ ચાવડા (ઉં.વ. 68) પોતાની મોટરસાયકલ નં. GJ-06-BS-3547 લઈને કામ અર્થે નીકળ્યા હતા. બપોરે આશરે 1:30 વાગ્યાના સુમારે તેઓ વેજલપુરથી સુરેલી તરફ જતા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભારત સિલિકા કંપની નજીક ટ્રક નં. GJ-08-W-0507ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ટ્રક હંકારી તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી.
ટક્કરના પગલે કનકસિંહ રોડ પર પટકાયા હતા અને તેમના શરીર, માથા તથા બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ગોધરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તબીબી તપાસ અને સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મૃતકના પુત્ર હેમરાજસિંહ કનકસિંહ ચાવડા (ઉં.વ. 41)ની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે ટ્રક નં. GJ-08-W-0507ના ફરાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા/BNSS તથા મોટર વાહન અધિનિયમની લાગુ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા