Halol

કુવામાંથી મહિલાનો રહસ્યમય મૃતદેહ મળતાં ટપલાવાવમાં ચકચાર

પિતાએ વ્યક્ત કરી શંકા; પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખુલશે મોતનું રહસ્ય
40 વર્ષીય કૈલાસબેનનું કુવામાંથી મૃતદેહ બહાર કાઢ્યું, બે સંતાનોએ ગુમાવી માતાની છત્રછાયા
હાલોલ9: હાલોલ તાલુકાના ટપલાવાવ ગામમાં મંગળવારની રાત્રે બનેલી કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી છે. ગામના લીટી ફળિયામાં રહેતી 40 વર્ષીય કૈલાસબેન દિનેશભાઈ રાઠવાનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં કુવામાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં હાલોલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ મહિલાને કુવામાંથી બહાર કાઢી હતી. જોકે, બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

મૃતક કૈલાસબેનને બે પુત્રો છે. મોટો પુત્ર હિતેન્દ્ર ધોરણ-11માં અને નાનો પુત્ર રવિન્દ્ર ધોરણ-7માં અભ્યાસ કરે છે. માતાના અચાનક અવસાનથી બંને સંતાનો અને સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

કૂવાની ઊંચી પાળીને લઈને પિતાએ ઉઠાવ્યા સવાલો; પોલીસે તમામ પાસાઓથી તપાસ શરૂ કરી
કૈલાસબેનનું પિયર ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે આવેલું છે. મૃતકના પિતા ભયલાલભાઈ રાઠવાએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાત્રે લગભગ 9 વાગ્યે પુત્રનો ફોન આવ્યો હતો કે કૈલાસબેન કુવામાં પડી ગયા છે. પરંતુ કૂવાની પાળી ઊંચી અને સુરક્ષિત હોવાથી અકસ્માતે પડી જવાની શક્યતા અંગે તેમણે સવાલો ઉઠાવ્યા છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે છેલ્લા ઘણા સમયથી કૈલાસબેનના ઘરે પારિવારિક વિવાદો ચાલતા હતા. તેથી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સામે આવશે.
ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસમાં સામે આવતા તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટર: યોગેશ ચૌહાણ

Most Popular

To Top