India

E20ને લઈને ઉઠેલા સવાલો વચ્ચે ગડકરીનો જવાબ, કહ્યું- 100% પેટ્રોલ મળશે, પરંતુ વઘારે કિંમત ચૂકવવા તૈયાર રહેજો

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં E20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી E20 પેટ્રોલને લઈને વાહનચાલકો અને નિષ્ણાતો તરફથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ફરી એકવાર E20 પેટ્રોલનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો કોઈને E20 પેટ્રોલનો ઉપયોગ કરવો ન હોય તો તેઓ 100 ટકા શુદ્ધ પેટ્રોલ ખરીદી શકે છે, પરંતુ તેના માટે વધુ કિંમત ચૂકવવી પડશે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ જણાવ્યું કે તેઓ માત્ર ઇથેનોલ જ નહીં, પરંતુ તમામ વૈકલ્પિક ઇંધણના સમર્થક છે. તેમણે કહ્યું કે ઇથેનોલ ઉપરાંત હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનો જેવા વિકલ્પો પણ દેશના ભવિષ્ય માટે જરૂરી છે. તેમનો ઉદ્દેશ ભારતને પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતામાંથી બહાર લાવવાનો છે.

પોતાના પરિવારના ઇથેનોલ વ્યવસાયને લઈને પૂછાયેલા સવાલનો જવાબ આપતાં ગડકરીએ કહ્યું કે તેમના પરિવાર પાસે વર્ષોથી શુગર મિલ છે અને તેમના પુત્રો તેનો વ્યવસાય સંભાળે છે. જોકે, કેન્દ્ર સરકારનો ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ પેટ્રોલિયમ મંત્રાલય ચલાવે છે અને તેનો તેમના કે તેમના પરિવારના વ્યવસાય સાથે કોઈ સંબંધ નથી. ગડકરીએ વધુમાં જણાવ્યું કે ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ આયાતકાર દેશોમાં સામેલ છે. તેથી આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમણે કહ્યું કે ઇથેનોલ માત્ર શેરડીમાંથી જ નહીં, પરંતુ મકાઈ, ચોખા અને બાંસ જેવી વિવિધ કૃષિ ઉપજમાંથી પણ બનાવી શકાય છે. આથી ખેડૂતોને પણ વધારાની આવકનો માર્ગ મળે છે.

તેમણે બ્રાઝિલનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે ત્યાં વર્ષોથી ઇથેનોલ આધારિત ઇંધણનો ઉપયોગ થઈ રહ્યો છે અને કોઈ મોટી સમસ્યા સામે આવી નથી. ભારત પણ આ દિશામાં આગળ વધી રહ્યું છે અને વૈકલ્પિક ઇંધણનો ઉપયોગ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. 100 ટકા શુદ્ધ પેટ્રોલ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું કે સરકાર પાસે તેનો પણ વિકલ્પ છે, પરંતુ તે વધુ ખર્ચાળ રહેશે. તેમણે ઉમેર્યું કે ઇથેનોલ મિશ્રિત ઇંધણની કિંમત તુલનાત્મક રીતે ઓછી હોય છે અને તેનો ઉપયોગ દેશના આર્થિક તેમજ પર્યાવરણીય હિતમાં છે.

Most Popular

To Top