દિલ્હીના જંતર-મંતર પર સોનમ વાંગચુકના આમરણ અનશન આજે 17મા દિવસમાં પ્રવેશ્યા છે. આ આંદોલનની શરૂઆત કરનાર ‘કોકરોચ જનતા પાર્ટી’ના પ્રદર્શનનો આજે 25મો દિવસ છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને કારણે જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો માટે ન્યાયની આ માંગ હવે દિલ્હીથી લઈને મહારાષ્ટ્ર સુધી ગાજી રહી છે.
શરીર સાથ છોડી રહ્યું છે, પણ સંકલ્પ અડગ છે
CJPના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સોનમ વાંગચુકની તબિયત અંગે જે વિગતો શેર કરી છે તે ધ્રુજાવી દેનારી છે:
- ઓગળતા સ્નાયુઓ: 17 દિવસની ભૂખ હડતાળના કારણે વાંગચુકના શરીરના સ્નાયુઓ હવે તૂટવા લાગ્યા છે અને તેઓ અસહ્ય શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યા છે.
- વજન અને બ્લડ પ્રેશર: અત્યાર સુધીમાં તેમનું 8.5 કિલો વજન ઘટી ગયું છે. ગઈકાલે તેમનું બ્લડ શુગર લેવલ ઘટીને 67 પર આવી ગયું હતું, જ્યારે આજે બ્લડ પ્રેશર 109/70 mm Hg નોંધાયું છે.
અભિજીત દીપકે રડતી આંખે વિનંતી કરી
અભિજીત દીપકે વાંગચુકને તબિયત ખાતર અનશન તોડી નાખવા આજીજી કરી. ત્યારે વાંગચુકે અત્યંત શાંતિથી જે શબ્દો કહ્યા તે વ્યવસ્થાની આંખો ખોલનારા છે: “મને ઉપવાસ પૂરા કરવાનું ના કહો. સરકારને જઈને પૂછો કે તેઓ કેમ હજુ સુધી અમારી સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી?”
વિપક્ષી નેતાઓ મેદાને
સોનમ વાંગચુકની ઝડપથી બગડતી તબિયતે આખા દેશને ચિંતામાં મૂકી દીધો છે. પક્ષ-વિપક્ષની દીવાલો ભૂલીને અનેક દિગ્ગજ નેતાઓ તેમના સમર્થનમાં આવ્યા છે અને સાથે જ તેમના જીવનની રક્ષા કાજે અનશન સમેટવા અપીલ કરી રહ્યા છે:
- ઉદ્ધવ ઠાકરે: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ CJPના આંદોલનને શિવસેના તરફથી સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે અભિજીત દીપક સાથે ફોન પર વાત કરીને સોનમ વાંગચુકની હેલ્થ અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે દેશ માટે તેમનું સાજા રહેવું બહુ જરૂરી છે.
- મહુઆ મોઇત્રા: TMCના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રાએ વાંગચુકને ‘સર’ કહીને સંબોધતા લખ્યું: “તમારા ઉપવાસે દેશના યુવાનોને ન્યાયની લડાઈ માટે એક કરી દીધા છે. તમારો હેતુ પૂરો થયો છે. આ સરકારને તમારા કે દેશના કરોડો યુવાનોના જીવની પરવા નથી, પણ તમારો જીવ અમારા માટે કિંમતી છે. પ્લીઝ, અનશન તોડો અને આ લડતને બીજી રીતે આગળ ધપાવો.”
- AAP અને ડાબેરીઓ: દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના ડેલીગેશને અને CPI(M)ના સાંસદ અમરા રામે પ્રદર્શન સ્થળની મુલાકાત લઈને વિદ્યાર્થીઓની માંગણીઓને વાજબી ઠેરવી છે.
“આને અહંકારની લડાઈ ના બનાવો”
અભિજીત દીપકે કેન્દ્ર સરકારને આડે હાથ લેતા એક પરિપક્વ અપીલ કરી છે. તેમણે કહ્યું કે જ્યારે લોકોના જીવ દાવ પર લાગેલા હોય ત્યારે સરકારે આને પ્રતિષ્ઠાનો કે અહંકારનો મુદ્દો ન બનાવવો જોઈએ. પોતાની ભૂલ સ્વીકારવી એ કોઈ નબળાઈ નથી, પણ એક જવાબદાર શાસનની અને સુધારો કરવાની તૈયારીની નિશાની છે. આ આંદોલન કોઈ સત્તા મેળવવા માટે નથી, માત્ર જવાબદારી નક્કી કરવા માટે છે.
હવે નજર 20 જુલાઈની ‘સંસદ માર્ચ’ પર
કોકરોચ જનતા પાર્ટીએ ગત 20 જૂનથી આ આંદોલન છેડ્યું હતું, જેમાં 28 જૂને સોનમ વાંગચુક જોડાયા હતા. આ સંગઠનની મુખ્ય બે માંગણીઓ છે:
- પરીક્ષાઓની કથિત ગેરરીતિઓની નૈતિક જવાબદારી લઈને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તાકીદે રાજીનામું આપે.
- પેપર લીક અને પરીક્ષાના વિવાદોના સદમામાં આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પીડિત પરિવારોને રૂ.૧ કરોડનું વળતર આપવામાં આવે.
આ લડાઈ હવે વધુ ઉગ્ર બનવા જઈ રહી છે. આગામી 20 જુલાઈ ના રોજ, જ્યારે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે, ત્યારે જંતર-મંતરથી પાર્લામેન્ટ સુધી એક વિશાળ શાંતિપૂર્ણ કૂચનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી હજારો યુવાનો જોડાય તેવી શક્યતા છે.