Vadodara

માંજલપુર બેઠક પર ભાજપનું નામાંકન પત્ર દાખલ, છાણીના સતીશ પટેલ ચૂંટણી મેદાને​

નામાંકન પ્રસંગે ૨૫ હજાર નોટબુકોના વિતરણનો સંકલ્પ કરાયો

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સ્વ. યોગેશભાઈ પટેલના દુઃખદ અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બેઠક છાણીના સતીશ પટેલ ની પસંદગી કરવામાં આવી છે, જેમણે સોમવારે સત્તાવાર રીતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત પક્ષના અનેક વરિષ્ઠ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
​ઉમેદવારી પત્ર ભરવાના આ મહત્વપૂર્ણ અવસરે પૂર્વ ધારાસભ્ય સ્વ. યોગેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્વ. યોગેશભાઈ પટેલના પ્રદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, તેઓ એક એવા નેતા હતા જે શાસક પક્ષમાં હોવા છતાં સરકાર સામે પ્રજાના હિતની સાચી વાત મૂકવામાં ક્યારેય પાછીપાની કરતા નહોતા. તેમણે સમર્પણના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીમાં રહીને આઠ-આઠ વખત વડોદરા અને માંજલપુર વિધાનસભા વિસ્તારની જનતાની અવિરત સેવા કરી હતી. તેમણે પાયાના કાર્યકર્તા તરીકેથી શરૂઆત કરીને પોતાની એક આગવી ઓળખ અને છાપ ઊભી કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અને શીર્ષ નેતૃત્વએ પણ એક સામાન્ય કાર્યકર્તા તરીકે કારકિર્દી શરૂ કરનારા સતીશ પટેલ પર ભરોસો મૂકીને પક્ષના પાયાના કાર્યકર્તાઓનું સન્માન કર્યું છે.
​આ શ્રદ્ધાંજલિ અને નામાંકન સભા દરમિયાન પક્ષના સામાજિક કાર્યોની પણ પ્રશંસા કરવામાં આવી હતી. હેમાંગભાઈના સંબોધનનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં સરકારી શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને ૧૫ લાખથી પણ વધુ નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ જ કડીમાં આજે વડોદરા મહાનગર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા વધુ ૨૫,૦૦૦ નોટબુકોનું યોગદાન આપવામાં આવ્યું છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે કોર્પોરેશન વિસ્તારમાં આવતા તમામ જરૂરિયાતમંદ બાળકો સુધી આ શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવે, જેથી કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.

Most Popular

To Top