મેયરે 8 જુલાઈને ‘પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે જાહેર કર્યો
પ્રામાણિકતા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના વૈશ્વિક સંદેશને મળ્યો આંતરરાષ્ટ્રીય સ્વીકાર
વડોદરા: અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના મેયર જૉન હોર્ને 8 જુલાઈ, 2026ના દિવસને ‘પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે જાહેર કરવાની ઐતિહાસિક ઘોષણા કરી છે. જેક્સન સ્થિત ‘ધ હિલ્ટન’ ખાતે 1,000થી વધુ લોકોની ઉપસ્થિતિમાં આ જાહેરનામું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.

પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીશ્રીએ વિશ્વભરના લાખો લોકોને પ્રામાણિકતા, કરુણા, ચારિત્ર્ય અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો પર આધારિત જીવન જીવવાની પ્રેરણા આપી છે. સમાજ અને માનવકલ્યાણ માટેના તેમના અમૂલ્ય યોગદાન તેમજ પ્રેરણાદાયી નેતૃત્વને માન આપતા આ વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.
આ પ્રસંગે મેયર જૉન હોર્ને જણાવ્યું હતું કે, “આ જાહેરનામા દ્વારા અમે જેક્સન શહેરના તમામ નાગરિકોને પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીશ્રીના વર્ષો સુધીના નિઃસ્વાર્થ સેવાકાર્ય, તેમના પ્રેરણાદાયી નેતૃત્વ અને માનવતાલક્ષી યોગદાનને ઓળખવા તેમજ તેની ઉજવણી કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.”
આ સન્માન માત્ર જેક્સન શહેર માટે જ નહીં, પરંતુ ભારતીય આધ્યાત્મિક પરંપરા અને માનવસેવાના મૂલ્યોને વૈશ્વિક સ્તરે મળેલી એક મહત્વપૂર્ણ માન્યતા તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.