મહારાષ્ટ્રમાં ગુરુવારની વહેલી સવાર લોકો માટે ચિંતાજનક રહી હતી. એક તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો બીજી તરફ હિંગોલી જિલ્લામાં મધરાતે એક પછી એક ચાર વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સતત આવેલા આંચકાઓને કારણે લોકો ઊંઘમાંથી જાગીને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપનો સૌથી શક્તિશાળી આંચકો રાત્રે લગભગ 1:37 વાગ્યે નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર હિંગોલી જિલ્લાના વસમત તાલુકાના પાંગરા શિંદે ગામ નજીક હોવાનું જણાવાયું છે. મુખ્ય આંચકા બાદ પણ ધરતી ધ્રૂજતી રહી હતી. ત્યારબાદ રાત્રે 2:15 વાગ્યે અને 2:17 વાગ્યે હળવા આંચકા અનુભવાયા હતા. આ પછી ફરીથી 2:48 વાગ્યે અને 2:50 વાગ્યે ધરતી ધ્રૂજતા લોકોમાં વધુ ભય ફેલાયો હતો. સતત ચાર વખત આવેલા આંચકાઓને કારણે હિંગોલી જિલ્લાના અનેક ગામોમાં લોકો આખી રાત ઘરની બહાર જ રહ્યા હતા. ઘણા લોકોએ ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર આશરો લીધો હતો. જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા ગંભીર ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
ભૂકંપની અસર માત્ર હિંગોલી સુધી મર્યાદિત રહી નહોતી. લાતુર જિલ્લાના ઉદગીર વિસ્તાર તેમ જ પરભણી જિલ્લાના કેટલાક ભાગોમાં પણ લોકોને ધરતી ધ્રૂજતી અનુભવાઈ હતી. કેટલાક ગામોમાં કાચા મકાનો અને ઘરોની દીવાલોમાં નાની તિરાડો પડી હોવાની માહિતી મળી છે. જોકે કોઈ મોટી ઈમારતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. વહીવટી તંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. ભૂકંપના આંચકાઓ વચ્ચે રાજ્યના બીજા ભાગોમાં વરસાદે પણ મુશ્કેલીઓ વધારી દીધી છે. ખાસ કરીને મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા કલાકોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સામાન્ય જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે.
મુંબઈના અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર લાંબા ટ્રાફિક જામ જોવા મળ્યા હતા. ભારે વરસાદના કારણે લોકો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઓફિસ જતાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા પણ વરસાદથી પ્રભાવિત થઈ હતી. કેટલાક રૂટ પર પાટા પર પાણી ભરાઈ જતાં ટ્રેનો ધીમી ગતિએ દોડાવવામાં આવી હતી, જ્યારે કેટલીક જગ્યાએ ટ્રેન સેવામાં વિલંબ નોંધાયો હતો. રસ્તા અને રેલવે બંને પર અસર થવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ભારે વરસાદ અને તેજ પવનના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. કેટલીક જગ્યાએ જૂની દીવાલો તૂટી પડવાની ઘટનાઓ બની હતી. જોકે મોટાપાયે જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં પંપિંગ સ્ટેશનની મદદથી પાણી કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને આપત્તિ રાહત દળ પણ વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે જેથી કોઈપણ ઈમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. વિભાગે નાગરિકોને ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સાવચેત રહેવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. એક તરફ ભૂકંપના આંચકાઓ અને બીજી તરફ ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકો ભય અને અનિશ્ચિતતા વચ્ચે દિવસ પસાર કરી રહ્યા છે. સદનસીબે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.