Vadodara

વડોદરા : 45મી ભગવાન જગન્નાથ રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ, 16 જુલાઈએ ચુસ્ત સુરક્ષા વચ્ચે નીકળશે રથયાત્રા

પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ઇસ્કોન મંદિરે સંકલન બેઠક GPS, CCTVથી રિયલ-ટાઈમ મોનિટરિંગ, સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત

વડોદરા તા.9

સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે 16 જુલાઈએ ભવ્ય રીતે નીકળશે. 45મી રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ, મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય સરકારી વિભાગોએ સંયુક્ત આયોજન પૂર્ણ કરી દીધું છે.

વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત 45મી ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. 16 જુલાઈએ નીકળનારી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.
આ સંદર્ભે આજે ઇસ્કોન મંદિર ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં જોઈન્ટ પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનર, વિવિધ ઝોનના ડીસીપી, એસીપી, પોલીસ અધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ, જિલ્લા કલેક્ટર કચેરીના પ્રતિનિધિઓ તેમજ આયોજકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, ભીડ વ્યવસ્થાપન અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા દરમિયાન આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર GPS અને CCTV કેમેરા મારફતે સતત રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે, જેથી દરેક હિલચાલ પર નજર રાખી શકાય અને કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થઈ શકે.
રથયાત્રાના માર્ગ પર આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને અન્ય સરકારી એજન્સીઓ સાથે સંકલન કરીને માર્ગમાં આવતી અવરોધરૂપ બાબતો દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તંત્રએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ વિભાગોના સંકલિત પ્રયાસોથી આ વર્ષની જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભવ્ય રીતે સંપન્ન થશે. રથયાત્રાને લઈને તાજેતરમાં જ પોલીસ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

Most Popular

To Top