પ્રશાંત મહાસાગરમાંથી ઊભેલું શક્તિશાળી ‘ટાયફૂન બાવી’ હવે તાઈવાન, ચીન અને જાપાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું લગભગ 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હોવાથી ત્રણેય દેશોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વર્ષો પછીનું સૌથી મોટું અને સૌથી ખતરનાક વાવાઝોડું બની શકે છે. આ ટાયફૂનનું કદ એટલું વિશાળ છે કે તે લગભગ ફ્રાન્સ દેશ જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. તેના સૌથી પહોળા ભાગની પહોળાઈ આશરે 1,000 કિલોમીટર છે. આ કારણે તેની અસર ખૂબ મોટા વિસ્તારમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું શનિવાર સાંજ સુધીમાં ચીનના ફુજિયાન પ્રાંતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. તે પહેલાં તેની અસર તાઈવાન અને જાપાનના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળશે. ભારે પવન, ધોધમાર વરસાદ, સમુદ્રમાં ઊંચા મોજાં અને ભૂસ્ખલનની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.

તાઈવાનમાં સરકારે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તાઈવાનના રાષ્ટ્રપ્રમુખ લાઈ ચિંગ-તેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને લોકોને ઓછામાં ઓછા ત્રણ દિવસ માટે જરૂરી ખાદ્ય સામગ્રી, પીવાનું પાણી, દવાઓ, ટોર્ચ, બેટરી અને અન્ય જરૂરી વસ્તુઓ સાથે ‘ઇમરજન્સી ગ્રેબ બેગ’ તૈયાર રાખવા અપીલ કરી છે. કોઈપણ કટોકટી આવે તો લોકો તરત સુરક્ષિત સ્થળે જઈ શકે તે માટે આ સૂચના આપવામાં આવી છે. બીજી તરફ જાપાનની હવામાન એજન્સીએ પણ ઓકિનાવા પ્રાંતમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ચેતવણી જાહેર કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળે ખસેડાવા માટે તૈયારી રાખવા જણાવાયું છે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ‘અલ નીનો’ની અસરને કારણે સમુદ્રનું તાપમાન સામાન્ય કરતાં વધારે છે. ગરમ સમુદ્રના પાણીમાંથી વાવાઝોડાને વધુ ઉર્જા અને ભેજ મળતા તે વધુ શક્તિશાળી બની રહ્યું છે. તેથી છેલ્લા કેટલાક વર્ષોમાં ટાયફૂન અને ચક્રવાતોની તીવ્રતા સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થા એક્યુવેધરના અનુમાન મુજબ, જો ટાયફૂન બાવી હાલની જ ઝડપ અને તાકાત સાથે આગળ વધશે તો તે વર્ષ 2024ના સુપર ટાયફૂન ‘કોંગ-રે’ પછીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું સાબિત થઈ શકે છે. ઇમ્પિરિયલ કોલેજ લંડનના હવામાન વૈજ્ઞાનિક જિયાંગબો ફેંગનું કહેવું છે કે આ ટાયફૂને પ્રશાંત મહાસાગરના ગરમ પાણીમાંથી ખૂબ મોટી માત્રામાં ભેજ અને ઉર્જા મેળવી છે. તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, પૂર, ઊંચા મોજાં અને પવનના કારણે વ્યાપક નુકસાન થવાની આશંકા છે. ચીનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. બંદરો પર સુરક્ષા વધારવામાં આવી છે અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
ભારત અંગે વાત કરીએ તો હાલના અનુમાન મુજબ ટાયફૂન બાવીની સીધી અસર ભારત પર થવાની શક્યતા નથી. કારણ કે આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને તેનો માર્ગ ભારતથી દૂર છે. તેથી ભારતના કોઈપણ દરિયાકાંઠાના વિસ્તારમાં આ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા નથી. જોકે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આટલા મોટા વાવાઝોડાની કેટલીક પરોક્ષ અસર જોવા મળી શકે છે. તેના કારણે ફિલિપિન્સ અને દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વધુ સક્રિય બન્યું છે અને ત્યાં ભારે વરસાદ તથા પૂરનું જોખમ વધી ગયું છે. આ સિસ્ટમ ભારતીય મહાસાગરમાંથી ભેજને પોતાની તરફ ખેંચી શકે છે, જેના કારણે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદના પેટર્નમાં થોડો ફેરફાર થઈ શકે છે. હાલ માટે ચીન, તાઈવાન અને જાપાનમાં તંત્ર સંપૂર્ણ સતર્ક છે. લોકોને સરકારની સૂચનાઓનું પાલન કરવા, અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર હવામાન વિભાગની માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.