મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે વધુ ગંભીર બની ગયો છે. બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી સતત વધી રહી છે અને સ્થિતિ યુદ્ધ જેવી બની ગઈ છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે ઈરાન તેમની હત્યાનું કાવતરું રચી રહ્યું છે. ટ્રમ્પના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. નાટો (NATO) શિખર સંમેલન દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, “હું ઈરાનની દરેક હિટ લિસ્ટમાં ટોચ પર છું. તેઓ અમેરિકાના મોટા નેતાઓને ખતમ કરવા માંગે છે. અત્યાર સુધી નસીબે મારો સાથ આપ્યો છે, પરંતુ આવું હંમેશા રહેશે તેની ખાતરી નથી. ઈરાન ખૂબ જ ખતરનાક દેશ છે અને આ ખતરાને ખતમ કરવો જરૂરી છે.” ટ્રમ્પે વધુમાં જાહેરાત કરી હતી કે અમેરિકા હવે ઈરાન સાથેના તમામ કરારોને સમાપ્ત કરી રહ્યું છે. તેમના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે. આ દરમિયાન અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાન સામે અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. અમેરિકાએ દાવો કર્યો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં નાગરિક જહાજો પર થયેલા હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.
અમેરિકી સેનાએ ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. તેમાં એર ડિફેન્સ સિસ્ટમ, રડાર સ્ટેશન અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની અનેક નાની સૈન્ય બોટોનો સમાવેશ થાય છે. ભારે હવાઈ હુમલાઓ બાદ ઈરાનના અનેક વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. ઈરાની મીડિયા અનુસાર બંદર મહશહરમાં એક IRGC જવાનનું મોત થયું છે, જ્યારે બૂશેહર સહિતના વિસ્તારોમાં પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. અમેરિકાના હુમલા બાદ ઈરાને પણ તરત જ વળતો પ્રહાર કર્યો હતો. ઈરાની સેનાએ બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકાના સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. બહેરીનમાં અમેરિકાની ફિફ્થ ફ્લીટ તૈનાત છે, જ્યારે કુવૈતમાં અમેરિકી આર્મીના મહત્વના બેઝ આવેલા છે.
કુવૈતના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાન દ્વારા છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઈલ અને 13 ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. જોકે, ઈરાનનું કહેવું છે કે તેણે અમેરિકી સૈન્ય મથકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બહેરીનમાં અનેક જગ્યાએ વિસ્ફોટના અહેવાલો પણ સામે આવ્યા છે. આ દરમિયાન ઈરાને એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેણે હોર્મુઝ વિસ્તારમાં અમેરિકાના MQ-9 ડ્રોનને તોડી પાડ્યાનો દાવો કર્યો છે. જોકે, અમેરિકાએ આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગલીબાફે પણ અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો અમેરિકા ઈરાન પર હુમલા ચાલુ રાખશે તો તેનો વધુ કડક જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે ઈરાન પોતાના શહીદોનું બલિદાન વ્યર્થ જવા નહીં દે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર કોઈ પણ પ્રકારની દખલગીરી સહન નહીં કરે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે. વિશ્વના મોટા ભાગના કાચા તેલનો પુરવઠો આ માર્ગ પરથી પસાર થાય છે. તેથી અહીં વધતા તણાવની સીધી અસર વૈશ્વિક તેલ બજાર અને અર્થતંત્ર પર પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આ સંઘર્ષ લાંબો ચાલશે તો ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે અને વિશ્વના ઘણા દેશોને તેની અસર ભોગવવી પડી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સતત થઈ રહેલા હુમલા અને પલટવારને કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં સુરક્ષાની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. બંને દેશો પોતાના વલણ પર અડગ દેખાઈ રહ્યા છે અને હાલ કોઈ પણ પ્રકારની શાંતિ વાતચીતના સંકેત દેખાતા નથી. આવી સ્થિતિમાં દુનિયાભરના દેશોની નજર હવે આ યુદ્ધ પર ટકેલી છે, કારણ કે આ સંઘર્ષ વૈશ્વિક રાજકારણ, વેપાર અને ઊર્જા સુરક્ષા પર મોટી અસર કરી શકે છે.