Vadodara

પૂજા-વિધિના બહાને 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર 70 વર્ષીય ઇસમ જેલ ભેગો

ગુસ્સો શાંત કરાવવા માતા-પિતાએ ઘરે બોલાવેલા કર્મકાંડીના હવસનો ભોગ બની હતી વિદ્યાર્થિની

સગીરાએ મોબાઇલમાં વીડિયો ઉતારી પુરાવો સાચવ્યો, પોલીસે ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

વડોદરા તા 8

વડોદરા શહેરમાં દત્તક પુત્રીના વર્તનમાં સુધારો લાવવા માટે ધાર્મિક વિધિ કરવા બોલાવેલા 70 વર્ષીય કર્મકાંડીએ ધો.11માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની પર બે વખત દુષ્કર્મ આચર્યું હતુ. સગીરાએ હિંમત દાખવી આરોપીની હરકતોનો વીડિયો મોબાઇલમાં કેદ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં રહેતા એક પરિવારે પોતાની દત્તક સગીર પુત્રીના ગુસ્સાવાળા સ્વભાવમાં સુધારો લાવવા માટે ધાર્મિક વિધિ કરાવવાનું નક્કી કર્યું હતું. આ માટે પરિવારે ગોત્રી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય નરેન્દ્ર દિનકર ભટ્ટનો સંપર્ક કર્યો હતો. પિતાની સાથે મંદિરમાં થયેલા પરિચય બાદ નરેન્દ્ર ભટ્ટ 14 જૂનથી 4 જુલાઈ દરમિયાન ચાર વખત પરિવારના ઘરે વિધિ કરવા માટે આવ્યો હતો. વિધિના બહાને કર્મકાંડી સગીરાને ઘરના અલગ રૂમમાં લઈ જતો હતો. બીજી અને ત્રીજી મુલાકાત દરમિયાન એકાંતનો લાભ લઈને તેણે લીંબુ ઉતારવાની વિધિના બહાને સગીરા સાથે અશ્લીલ હરકતો કરી હતી. ત્યારબાદ પવિત્ર વિધિના નામે બંધ રૂમમાં બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આરોપીની હરકતોથી ગભરાઈ ગયેલી સગીરાએ સૂઝબૂઝ દાખવી તેની કરતૂતોનો વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કરી લીધો હતો. બાદમાં સમગ્ર ઘટના પરિવારને જણાવતાં તેઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે સગીરાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં મેજિસ્ટ્રેટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

Most Popular

To Top