દીપિકા ગાર્ડન નજીકની ઘટનાએ પ્રી-મોન્સૂન કામગીરીની અસરકારકતા અંગે ઉઠાવ્યા સવાલ
જોખમી વૃક્ષોની સમયસર તપાસ અને ટ્રિમિંગ માટે સ્થાનિકોમાં માંગ ઉઠી
વડોદરા, તા. 8:
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા દીપિકા ગાર્ડન નજીક મંગળવારે એક વિશાળ લીમડાનું વૃક્ષ અચાનક ધરાશાયી થતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના સમયે માર્ગ પરથી અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, જોકે વૃક્ષ ધરાશાયી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘટનાને પગલે સ્થાનિકોએ પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત જોખમી વૃક્ષોની તપાસ અને ટ્રિમિંગની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ મોટા વૃક્ષોની ડાળીઓ વીજ તારને અડી રહી છે અથવા જોખમી સ્થિતિમાં છે.
સ્થાનિક નાગરિકોએ મહાનગરપાલિકાને જોખમી વૃક્ષોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી ટ્રિમિંગ અને જાળવણી કરવાની માંગ કરી છે, જેથી આગામી દિવસોમાં કોઈ દુર્ઘટના ન સર્જાય. ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને વાહનવ્યવહાર પૂર્વવત્ કરવામાં આવ્યો હતો.
પ્રી-મોન્સૂન’ કામગીરીનો હેતુ માત્ર ખર્ચ કરવો નહીં, પરંતુ સંભવિત જોખમોને સમયસર દૂર કરવાનો છે. જો જોખમી વૃક્ષોની ઓળખ અને જાળવણી અસરકારક રીતે કરવામાં આવે, તો આવી ઘટનાઓ ટાળી શકાય. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વૃક્ષોની નિયમિત તપાસ, વૈજ્ઞાનિક ટ્રિમિંગ અને જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે.