Vadodara

પેન્શનપુરા-આંબેડકર ચોક સ્લમ એરિયાના રહીશોને મોટું વીજ બિલ આવતા ખળભળાટ

2500ને બદલે 29,000નું બિલ આવતા વીજ કચેરી બહાર રહીશોનું હલ્લાબોલ

અધિકારીઓની હૈયાધારણા બાદ મામલો થાળે પડ્યો,વહેલી તકે રાહત આપવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી

( પ્રતિનિધિ ) વડોદરા, તા. 8

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા પેન્શનપુરા અને આંબેડકર ચોક સ્લમ એરિયાના રહીશોને એમજીવીસીએલ દ્વારા આપવામાં આવેલા મસમોટા વીજ બિલથી ખળભળાટ મચી ગયો છે. સામાન્ય રીતે દર મહિને 2500 થી 3000 રૂપિયાનું બિલ ભરતા ગરીબ પરિવારોને અચાનક 29,000 રૂપિયા સુધીનું બિલ ફટકારાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

વડોદરા શહેરની ફતેગંજ વીજ કચેરી ખાતે લોકોએ મોરચો માંડ્યો હતો. કચેરી બહાર એમજીવીસીએલ હાય હાય ના નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જવાબદાર અધિકારીઓને લેખિત રજૂઆત પણ સોંપી હતી. મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિનાથી એમજીવીસીએલ દ્વારા તેમને કોઈ વીજ બિલ આપવામાં આવ્યું ન હતું. લાંબા સમય બાદ જ્યારે 4 મહિનાનું બિલ એકસાથે આપવામાં આવ્યું ત્યારે રકમ જોઈને સૌના હોશ ઉડી ગયા. એક જ ઘરનું બિલ 29,000 રૂપિયા આવ્યું છે અને અન્ય ઘરોના બિલમાં પણ અસાધારણ વધારો જોવા મળ્યો છે. અમે ગરીબ લોકો છીએ. દર મહિને 3 હજારનું બિલ ભરીએ છીએ. અચાનક 29 હજારનું બિલ આપી દીધું. આટલા પૈસા અમે ક્યાંથી લાવીએ? એમજીવીસીએલ ની આ ઘોર બેદરકારી છે. આ મામલે ફતેગંજ વીજ કચેરીના નાયબ ઈજનેર પરેશ કદમે સ્થાનિકોની રજૂઆત સાંભળીને ખાતરી આપી હતી. ડે.એન્જીનિયર પરેશ કદમે જણાવ્યું હતું કે, બિલિંગમાં કોઈ ટેકનિકલ અથવા હ્યૂમન એર હોવાની શક્યતા છે. અમે સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લીધી છે. જો ખરેખર ભૂલ થઈ હશે તો ત્વરિત કામગીરી કરીને યોગ્ય સોલ્યુશન લાવવામાં આવશે અને રહીશોને ન્યાય અપાશે. અધિકારીઓની હૈયાધારણા બાદ મામલો થાળે પડ્યો હતો. જો કે સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો ખોટા બિલો સુધારીને વહેલી તકે રાહત આપવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે.

Most Popular

To Top