માંડવીની ઘંટિયાળા પોળમાં વર્ષો જૂનું મકાન ખાલી હોવા છતાં કંટ્રોલ રૂમને ગેરમાર્ગે દોર્યો; ખોટી માહિતી આપનાર સામે કડક પગલાં લેવાશે
ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર વિભાગ જર્જરિત મકાનોને લઈને અત્યંત સતર્ક બન્યું છે. મુશળધાર વરસાદની સ્થિતિ વચ્ચે કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર ચોવીસ કલાક ખડેપગે છે. આવા સંવેદનશીલ સમયે વડોદરાના ઐતિહાસિક માંડવી વિસ્તારમાં તંત્રને દોડતું કરી દેનારી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મકાન ધરાશાયી થવાનો એક ખોટો કોલ મળતા ફાયર બ્રિગેડ અને પાલિકાની ટીમમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી ઘંટિયાળા પોળમાં એક મકાન ધરાશાયી થયું હોવાનો ઈમરજન્સી કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ચોમાસાની સીઝનમાં આવી ગંભીર માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ અને વડોદરા મહાનગરપાલિકાની નિર્ભયતા શાખાના અધિકારીઓ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તાર ઘડિયાળી પોળમાં યુકો બેંકની ગલીમાં આવેલો હોવાથી સાંકડા રસ્તાઓ વચ્ચે પણ તંત્રની ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી માટે પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે, ઘટનાસ્થળે પહોંચીને જ્યારે અધિકારીઓએ રૂબરૂ તપાસ કરી ત્યારે સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું હતું. જે મકાન અંગે મકાન ધરાશાયી થવાનો કોલ કરવામાં આવ્યો હતો, તે મકાન હાલમાં નહીં પરંતુ અગાઉના સમયમાં જ ધરાશાયી થઈ ચૂક્યું હતું. તપાસ દરમિયાન આસપાસના સ્થાનિક રહીશોએ તંત્રને માહિતી આપી હતી કે આ ઇમારત ખૂબ જૂની છે અને તેનો મોટો ભાગ અગાઉથી જ પડી ગયેલો છે. આ મકાનમાં હાલ કોઈ રહેતું નથી અને હાલમાં કોઈ નવી દુર્ઘટના ઘટી નથી.
વોર્ડ ઓફિસ-૧૪ના એન્જિનિયરિંગ વિભાગના અધિકારી મોલેશ ચૌહાણે આ અંગે જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમમાંથી ફાયર કોલ મળતા જ અમારી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ અહીં કોઈ નવું મકાન પડ્યું નથી. આ જૂની જર્જરિત ઇમારતનો ભાગ પહેલાથી જ પડેલો હતો. હવે ઓફિસ જઈને આ મકાનની નોટિસ અંગેની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત, આસપાસથી જે કોન્ટેક્ટ નંબર મળ્યા છે તેના આધારે મકાન માલિકનો સંપર્ક કરીને આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
ચોમાસાની કટોકટી ભરી પરિસ્થિતિમાં તંત્ર સાથે આવી મજાક કરનાર અજાણ્યા કોલર સામે પાલિકા અને ફાયર વિભાગે લાલ આંખ કરી છે. કટોકટીના સમયે ખોટી માહિતી આપીને સરકારી તંત્રનો સમય બગાડનાર અને ભયનો માહોલ ઊભો કરનાર વ્યક્તિની ઓળખ કરવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ પ્રકારની ખોટી માહિતી આપનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ અધિકારીઓએ જણાવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કટોકટીના સમયે આવી ગેરમાર્ગે દોરનારી અફવાઓ કે ખોટા ફોન કરવાથી દૂર રહે.