( પ્રતિનિધિ )વડોદરા,તા.8
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સત પડી રહેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદ અને પાણી ભરાવાને પગલે મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ ઉપરાંત લાંબા અંતરની ટ્રેનોના વ્યવહાર પર પણ મોટી અસર પડી છે. ખાસ કરીને મુંબઈથી વડોદરા તરફ આવતી કેટલીક ટ્રેનો પણ વિલંબથી દોડી રહી છે.
ભારે વરસાદની સીધી અસર હવાઈ સેવાઓ પર પણ જોવા મળી રહી છે. ફ્લાઈટ્સના ડાયવર્ઝન અને રદ થવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એરપોર્ટ પર લાંબી કતારો અને મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ઘણા મુસાફરોને તેમની ફ્લાઈટના નવા સમય કે ડાયવર્ટ થયેલા સ્થળની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. ખરાબ હવામાનના કારણે બે ફ્લાઈટ વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 2975 જે દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી તેને વડોદરા ડાયવર્ટ કરાઈ હતી. તો બીજી તરફ વડોદરાથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-5060 પણ ખરાબ હવામાનના કારણે હવામાં ચક્કર લગાવી પરત વડોદરા પરત ફરી હતી. એરલાઈન્સ દ્વારા મુસાફરોને ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરવા અને એરપોર્ટ પર વહેલા પહોંચવાની અપીલ કરવામાં આવી છે. અસરગ્રસ્ત પેસેન્જરો માટે વૈકલ્પિક ફ્લાઈટ અથવા રિફંડની વ્યવસ્થા કરવાની તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.