Vadodara

માંજલપુરમાં ચૂંટણીનો શંખનાદ, મુક્ત અને પારદર્શક મતદાન માટે તંત્ર સજ્જ

ખર્ચ પર બાજ નજર રાખવા નિરીક્ષકો તહેનાત, ગેરરીતિ અટકાવવા ફ્લાઈંગ સ્ક્વોડ સક્રિય

નાણાંના પ્રલોભન કે ગેરરીતિઓ પર હવે તંત્રની ‘સીધી નજર, આચારસંહિતાના કડક અમલ માટે ફ્લાઈંગ સ્ક્વોડ મેદાને, નાગરિકોને હેલ્પલાઈન નંબર દ્વારા ફરિયાદ કરવા અનુરોધ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૮

વડોદરા :- ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ અનુસાર, વડોદરાની મહત્વની એવી માંજલપુર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ચૂંટણીને મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરાવવા માટે તંત્રે કમર કસી છે.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. જેઓ ઉમેદવારોના ખર્ચના હિસાબોની સતત ચકાસણી કરશે.

મતદારોને પ્રલોભન આપવા કે નાણાં અથવા ભેટ-સોગાદોનું વિતરણ રોકવા માટે સમગ્ર મતવિસ્તારમાં વિવિધ ફ્લાઈંગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમોને કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે અને શંકાસ્પદ હિલચાલ પર બાજ નજર રાખી રહી છે. આ તમામ ટીમોની કામગીરીનું સતત મોનિટરિંગ કંટ્રોલ રૂમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ચૂંટણી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈપણ પ્રકારના ડર કે પ્રલોભન વગર મતદાન કરે. ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ કે ગેરરીતિની જાણકારી આપવા માટે તંત્ર દ્વારા ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉપરાંત, ખર્ચ નિરીક્ષકનો સંપર્ક નંબર પણ ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, જેથી નાગરિકો સીધો સંપર્ક કરી શકે. માંજલપુર મતવિસ્તારના તમામ નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક સહભાગી થવા અને મતદાનના પવિત્ર અધિકારનો ઉપયોગ કરવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top