સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ અને ખાડીના પૂરના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડ્યો છે. રક્ષાબંધન જેવા મોટા તહેવારની સિઝન શરૂ થવાના થોડા દિવસો પહેલાં જ વરસાદી આફતે કાપડ બજારને હચમચાવી દીધું છે. શહેરની અનેક ટેક્સટાઇલ માર્કેટોમાં બેઝમેન્ટ સુધી પાણી ઘૂસી જતાં લાખો નહીં પરંતુ અંદાજે 1 કરોડ જેટલી સાડીઓ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર કાપડ ઉદ્યોગને 200 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. સુરતના રિંગ રોડ અને આસપાસ આવેલી લગભગ 100 જેટલી કાપડ માર્કેટ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. ભારે વરસાદ બાદ ખાડીઓમાં આવેલા પૂરના પાણી અને ગટરનું ગંદુ પાણી સીધું માર્કેટના બેઝમેન્ટમાં ઘૂસી ગયું હતું. અનેક દુકાનોમાં પાણી એટલી ઝડપથી ભરાયું કે વેપારીઓને પોતાનો માલ બહાર કાઢવાનો કે સુરક્ષિત સ્થળે ખસેડવાનો સમય પણ મળ્યો નહોતો. દરેક દુકાનમાં સરેરાશ 1,000થી 1,500 સાડીઓ રાખવામાં આવી હતી. વરસાદી પાણી, કાદવ અને ગંદકીના કારણે આ સાડીઓ વેચવા લાયક રહી નથી. વેપારીઓના જણાવ્યા મુજબ અંદાજે 1 કરોડ જેટલી સાડીઓ સંપૂર્ણપણે નકામી બની ગઈ છે. હવે આ માલને કચરામાં ફેંકી દેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
રક્ષાબંધનની સિઝનને ધ્યાનમાં રાખીને વેપારીઓએ પહેલાથી જ મોટાપાયે નવો સ્ટોક તૈયાર રાખ્યો હતો. દર વર્ષે આ સમયગાળા દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી સુરતની સાડીઓ અને ડ્રેસ મટીરિયલની ભારે માંગ રહેતી હોય છે. આ માંગને પહોંચી વળવા નાના અને મોટા વેપારીઓએ પોતાની આર્થિક ક્ષમતા મુજબ લાખો રૂપિયાનો માલ ખરીદીને દુકાનોમાં રાખ્યો હતો. ઘણી દુકાનોમાં 50 લાખથી લઈને કરોડો રૂપિયાનો સ્ટોક ઉપલબ્ધ હતો, પરંતુ તહેવારની શરૂઆત પહેલાં જ કુદરતી આફતે વેપારીઓના તમામ આયોજન પર પાણી ફેરવી દીધું. માત્ર તૈયાર માલ જ નહીં પરંતુ કાપડના તાકા, પેકિંગ મટીરિયલ, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક સાધનો અને દુકાનોનું ફર્નિચર પણ પૂરના પાણીમાં ખરાબ થઈ ગયું છે. માર્કેટમાં હાલ પણ કાદવ, ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે આ નુકસાનમાંથી બહાર આવવામાં મહિનાઓ લાગી શકે છે.
ફોસ્ટા (FOSTA)ના જનરલ સેક્રેટરી દિનેશ કટારિયાએ જણાવ્યું કે સુરતમાં એકસાથે 15થી 20 ઇંચ જેટલો વરસાદ પડતા ક્યારેય ન જોયેલી સ્થિતિ સર્જાઈ છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી ચેરાપુંજી જેવા વિસ્તારોમાં જ આવા વરસાદ વિશે સાંભળ્યું હતું, પરંતુ આ વખતે સુરતના લોકોએ પણ આવી ભયાનક સ્થિતિનો સામનો કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે વરસાદ અને ખાડીના બેક વોટરના કારણે પાણી ખૂબ ઝડપથી માર્કેટોમાં ઘૂસ્યું હતું. ગટરનું ગંદુ પાણી અને કાદવના કારણે સાડીઓના રંગ અને ગુણવત્તા સંપૂર્ણપણે બગડી ગઈ છે. વેપારીઓને માલ બચાવવાનો કોઈ મોકો મળ્યો નહોતો, જેના કારણે હજારો દુકાનોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.
આ કુદરતી આફતની અસર માત્ર સ્થાનિક વેપાર પૂરતી મર્યાદિત રહી નથી. સુરતથી દેશના વિવિધ રાજ્યોમાં મોકલાતો કાપડનો વેપાર પણ લગભગ ઠપ થઈ ગયો છે. ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ સેવાઓ પ્રભાવિત થઈ છે. પરિણામે બહારગામના વેપારીઓને સમયસર માલ મોકલી શકાયો નથી. વેપારીઓના જણાવ્યા મુજબ માત્ર ટ્રાન્સપોર્ટ અને સપ્લાય ચેઇન ખોરવાતા જ અંદાજે 150થી 200 કરોડના ટર્નઓવર પર અસર પડી છે.
સમયસર ઓર્ડર પૂર્ણ ન થઈ શકતા અન્ય રાજ્યોના વેપારીઓમાં પણ ચિંતા વધી છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગની વિશ્વસનીયતા પર પણ અસર પડી શકે છે. હાલ સમગ્ર કાપડ બજારમાં નિરાશાનો માહોલ છે અને વેપારીઓ સરકાર પાસે આર્થિક સહાય, વળતર અને વિશેષ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે સુરતનો કાપડ ઉદ્યોગ લાખો પરિવારોને રોજગારી આપે છે. આવી સ્થિતિમાં સરકાર અને સ્થાનિક તંત્ર તાત્કાલિક મદદ કરશે તો જ વેપારીઓ ફરી ઊભા થઈ શકશે અને તહેવારોની સિઝનમાં બજારને ફરી ગતિ મળી શકશે.