ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનોમાંના એક અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે. મીડિયા અહેવાલો મુજબ, તેની સત્તાવાર જાહેરાત 11 જુલાઈએ સ્કોટલેન્ડના એડિનબર્ગમાં યોજાનારી ICCની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવશે. આ સાથે ગાંગુલી ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનારા ભારતના 12મા ક્રિકેટર બનશે. આ સન્માન ગાંગુલી માટે વધુ ખાસ એટલા માટે પણ છે કે 11 જુલાઈએ તેમનો 54મો જન્મદિવસ પણ છે. જન્મદિવસના દિવસે જ તેમને ક્રિકેટ જગતનું આ પ્રતિષ્ઠિત સન્માન મળવાની શક્યતા છે. આ જ પ્રસંગે તેમની જીવનકથા પર આધારિત ફિલ્મ ‘દાદા – ધ સૌરવ ગાંગુલી સ્ટોરી’નો ફર્સ્ટ લુક પણ જાહેર કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં અભિનેતા રાજકુમાર રાવ 2002ની નેટવેસ્ટ ટ્રોફી જીત્યા બાદ લોર્ડ્સની બાલ્કનીમાં ગાંગુલીની ઐતિહાસિક જર્સી લહેરાવતી ક્ષણને જીવંત કરતા જોવા મળે છે. ગાંગુલીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેને પોતાના માટે જન્મદિવસની સૌથી ખાસ ભેટ ગણાવી હતી.
સૌરવ ગાંગુલીએ વર્ષ 2000માં ભારતીય ટીમની કમાન એવા સમયે સંભાળી હતી જ્યારે ભારતીય ક્રિકેટ મેચ ફિક્સિંગના વિવાદમાંથી પસાર થઈ રહ્યું હતું. મુશ્કેલ સમયમાં તેમણે યુવા ખેલાડીઓ પર વિશ્વાસ મૂકીને ટીમને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વમાં વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, મોહમ્મદ કૈફ અને બાદમાં મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવવાની તક મળી હતી. ગાંગુલીની કપ્તાનીમાં ભારતે અનેક ઐતિહાસિક સફળતાઓ મેળવી હતી. વર્ષ 2002માં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે 2003ના વન-ડે વર્લ્ડ કપમાં ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. ઉપરાંત ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી, 2004માં પાકિસ્તાનમાં પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી અને ઓસ્ટ્રેલિયાની સતત 16 ટેસ્ટ જીતની શ્રેણીનો પણ અંત લાવ્યો હતો. આ સિદ્ધિઓએ ભારતીય ક્રિકેટને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી હતી.
બેટ્સમેન તરીકે પણ ગાંગુલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેમણે ભારત માટે 113 ટેસ્ટ મેચમાં 7,212 રન બનાવ્યા હતા, જેમાં 16 સદી સામેલ છે. જ્યારે 311 વન-ડે મેચમાં તેમણે 11,363 રન સાથે 22 સદી ફટકારી હતી. ડાબોડી બેટ્સમેન ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 132 વિકેટ પણ ઝડપી હતી, જે તેમના ઓલરાઉન્ડ યોગદાનની સાબિતી આપે છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ ગાંગુલી રમત સાથે જોડાયેલા રહ્યા. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ રહ્યા હતા અને હાલમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ક્રિકેટના વિકાસ માટે તેમના વહીવટી યોગદાનને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગાંગુલીના સમાવેશ બાદ ICC હોલ ઓફ ફેમમાં ભારતના કુલ 12 ક્રિકેટરો સામેલ થશે. આ પહેલાં બિશન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિનુ માંકડ, વીરેન્દ્ર સેહવાગ, ડાયના એડુલ્જી, નીતુ ડેવિડ અને મહેન્દ્ર સિંહ ધોનીને આ પ્રતિષ્ઠિત સન્માન મળી ચૂક્યું છે. ICC હોલ ઓફ ફેમમાં સ્થાન મળવું કોઈપણ ક્રિકેટર માટે કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક માનવામાં આવે છે. હવે ‘દાદા’ તરીકે જાણીતા સૌરવ ગાંગુલીનું નામ પણ વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડીઓની આ યાદીમાં ગૌરવપૂર્વક ઉમેરાશે.