Sports

આજે ભારત માટે કરો યા મરોની મેચ, ઇંગ્લેન્ડ સામે સિરીઝ બચાવવાનો પડકાર, વૈભવ, અભિષેક અને દુબે પર નજર

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટી-20 શ્રેણીની ચોથી મેચ આજે બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં રમાશે. ભારતીય સમય મુજબ મેચ રાત્રે 10 વાગ્યે શરૂ થશે. આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે શ્રેણીમાં ટકી રહેવા માટે જીત ફરજિયાત બની ગઈ છે. હાલમાં ઇંગ્લેન્ડ 2-0ની સરસાઈ ધરાવે છે. પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ હતી, જ્યારે બીજી અને ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડે જીત મેળવી હતી. જો ભારત આજે હારી જશે તો પાંચ મેચની શ્રેણી ઇંગ્લેન્ડના નામે થઈ જશે. વર્ષ 2018-19 બાદ પહેલી વખત ભારત સતત બીજી ટી-20 શ્રેણી ગુમાવવાનો ભય ઉભો થયો છે. તેથી ભારતીય ટીમ માટે આ મુકાબલો ‘કરો યા મરો’ સમાન છે. આ મેચમાં સૌની નજર 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પર રહેશે. તેણે પોતાની પ્રથમ બે આંતરરાષ્ટ્રીય ટી-20 મેચમાં અનુક્રમે 14 અને 13 રન બનાવ્યા છે. એટલે કે અત્યાર સુધી માત્ર 27 રન જ નોંધાવી શક્યો છે. જોકે, તેની પ્રતિભાને જોતા ટીમ મેનેજમેન્ટને તેની પાસેથી મોટી ઇનિંગ્સની આશા છે.

ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ પણ ચર્ચામાં છે. ટી-20 ટીમની કમાન સંભાળ્યા બાદ તેઓ હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ જીતાડી શક્યા નથી. ત્રીજી ટી-20માં 125 રનની મોટી હાર બાદ તેમણે ટીમના પ્રદર્શનને નિરાશાજનક ગણાવ્યું હતું. બીજી તરફ મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓનો બચાવ કરતા કહ્યું હતું કે એક હારથી ટીમ નબળી નથી બની જતી અને ભારત પોતાની આક્રમક રમતની રણનીતિ ચાલુ રાખશે. ભારત માટે સારા સમાચાર એ છે કે અભિષેક શર્મા અને શ્રેયસ ઐયર સારી લયમાં છે. અભિષેકે ત્રણ મેચમાં 112 રન બનાવ્યા છે, જ્યારે શ્રેયસે 110 રન નોંધાવ્યા છે. મિડલ ઓર્ડરમાં શિવમ દુબે પાસેથી પણ ઝડપી રનની અપેક્ષા રહેશે. પ્રથમ મેચમાં તેણે માત્ર 21 બોલમાં અણનમ 42 રન ફટકાર્યા હતા, પરંતુ ત્યારબાદની બંને મેચમાં તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. બોલિંગ વિભાગમાં અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાએ અત્યાર સુધી સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી છે. જોકે, ઇંગ્લેન્ડના બેટ્સમેનોને રોકવા માટે ભારતે વધુ સચોટ બોલિંગ કરવાની જરૂર પડશે.

બીજી તરફ ઇંગ્લેન્ડ જોરદાર ફોર્મમાં છે. હેરી બ્રૂકની આગેવાની હેઠળ ટીમે છેલ્લી 21 પૂર્ણ થયેલી ટી-20 મેચોમાંથી 18માં જીત મેળવી છે. હવે ઇંગ્લેન્ડ પાસે ભારત સામે પ્રથમ વખત બે કે તેથી વધુ મેચોની ટી-20 શ્રેણી જીતવાનો ઇતિહાસ રચવાની તક છે. બેટિંગમાં જેકબ બેથેલ અને ફિલ સોલ્ટ ઇંગ્લેન્ડ માટે સૌથી મોટા હથિયાર બન્યા છે. બેથેલે ત્રણ મેચમાં 89 રન બનાવ્યા છે, જ્યારે ફિલ સોલ્ટે ત્રીજી મેચમાં 70 રનની શાનદાર મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. બોલિંગમાં સેમ કરન, જોશ ટંગ અને જોફ્રા આર્ચરે 4-4 વિકેટ લઈને ભારતીય બેટ્સમેનો પર દબાણ બનાવ્યું છે.

બ્રિસ્ટલનું કાઉન્ટી ગ્રાઉન્ડ સામાન્ય રીતે બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં બાઉન્ડ્રી નાની હોવાથી મોટા સ્કોર બનવાની શક્યતા રહે છે. જોકે, આ સિઝનમાં અહીં પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર લગભગ 156 રન રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ મેચ દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે અને હવામાન સ્વચ્છ રહેશે. ત્રીજી મેચમાં મોટી હાર બાદ ભારતીય ટીમ પ્લેઇંગ-11માં કેટલાક ફેરફાર કરી શકે છે. સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, સૂર્યાંશ શેડગે અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓને તક મળી શકે છે. આજે ભારત માટે જીત માત્ર શ્રેણીમાં ટકી રહેવા માટે જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે પણ ખૂબ જરૂરી બની ગઈ છે. બીજી તરફ ઇંગ્લેન્ડની નજર આ મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવાની રહેશે.

Most Popular

To Top