ગુજરાત સરકારે રાજ્યને ડિજિટલ અર્થતંત્રમાં અગ્રેસર બનાવવા માટે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’ જાહેર કરી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી પોલિસીનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકારનું માનવું છે કે આજના ડિજિટલ યુગમાં ડેટા સૌથી મૂલ્યવાન સંપત્તિ બની રહ્યો છે. ઓનલાઈન સેવાઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, ફિનટેક અને ડિજિટલ ગવર્નન્સ જેવી સેવાઓ ઝડપથી વધી રહી હોવાથી ડેટા સેન્ટરની જરૂરિયાત પણ સતત વધી રહી છે. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવી ડેટા સેન્ટર પોલિસી તૈયાર કરી છે.
કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશભરમાં ડેટા સેન્ટર અંગે ચર્ચા થઈ રહી છે, પરંતુ આ ક્ષેત્ર માટે અલગ અને વિશેષ પોલિસી જાહેર કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે 7.5 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર વિકસાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સાથે જ માત્ર ધોલેરા વિસ્તારમાં જ લગભગ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર માટેના પ્રસ્તાવો મળી ચૂક્યા છે અને તેના પર કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. મુખ્ય સચિવે જણાવ્યું કે સરકાર આગામી વર્ષોમાં રાજ્યમાં અંદાજે 6 લાખ કરોડનું રોકાણ આકર્ષવા માંગે છે. આ રોકાણથી મોટા પાયે ડેટા સેન્ટરોનું નિર્માણ થશે, જે ગુજરાતને દેશનું મહત્વપૂર્ણ ડિજિટલ હબ બનાવવામાં મદદરૂપ બનશે.
તેમણે ડેટા સેન્ટરની જરૂરિયાત અંગે મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી. તેમના જણાવ્યા મુજબ માત્ર 1 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર માટે દરરોજ લગભગ 3.5 કરોડ લીટર પાણી અને લાખો ઘરો જેટલી વીજળીની જરૂર પડે છે. ગુજરાત પાસે સૌર અને પવન ઊર્જાનું મજબૂત નેટવર્ક હોવાથી રાજ્ય આ ક્ષેત્રમાં અન્ય રાજ્યો કરતાં વધુ સક્ષમ બની શકે છે. નવી પોલિસી હેઠળ ડેટા સેન્ટર સ્થાપવા ઇચ્છતી કંપનીઓને અનેક પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવશે. તેમાં જમીન ફાળવણી, પાવર ટેરિફમાં રાહત, સ્ટેમ્પ ડ્યુટીમાં લાભ સહિત અન્ય સહાયનો સમાવેશ થાય છે. ઉપરાંત રોકાણકારોને તમામ મંજૂરીઓ સરળતાથી મળી રહે તે માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવ્યો છે, જે સિંગલ વિન્ડો ક્લિયરન્સની સુવિધા આપશે.
સરકારે પર્યાવરણને ધ્યાનમાં રાખીને પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવી પોલિસી મુજબ દરેક ડેટા સેન્ટરે પોતાની કુલ વીજ વપરાશમાંથી ઓછામાં ઓછા 51 ટકા વીજળી રિન્યુએબલ એનર્જી એટલે કે સૌર, પવન અથવા અન્ય હરિત ઊર્જા સ્ત્રોતોમાંથી મેળવવી ફરજિયાત રહેશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી ગુજરાત ગ્રીન ડેટા સેન્ટરના ક્ષેત્રમાં દેશનું અગ્રણી રાજ્ય બની શકે છે. ડેટા સેન્ટરની વધતી માંગને ધ્યાનમાં રાખીને GUVNL દ્વારા રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્ક અને સબ-સ્ટેશનોને વધુ મજબૂત બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ગ્રીન એનર્જીનું ઉત્પાદન વધારવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી મોટા ઉદ્યોગોને સતત અને વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહે.
કાર્યક્રમ દરમિયાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે 1990ના દાયકામાં ગુજરાતે કેટલીક ઔદ્યોગિક તકો ગુમાવી હતી, પરંતુ બાદમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાજ્યએ વિકાસની નવી દિશા મેળવી. આજે ગુજરાત દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે. તેમણે જણાવ્યું કે હાલમાં ભારતમાં અંદાજે 200 જેટલા ડેટા સેન્ટર કાર્યરત છે, જ્યારે અમેરિકામાં આશરે 30 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર ઉપલબ્ધ છે. ગુજરાતમાં પહેલેથી જ 10 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટર માટેના પ્રસ્તાવો મળી ચૂક્યા છે, જે રાજ્ય માટે સારા સંકેત માનવામાં આવે છે.
સરકારને આશા છે કે નવી પોલિસી અમલમાં આવ્યા બાદ Google, Microsoft, Amazon જેવી વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓ ગુજરાતમાં પોતાના ડેટા સેન્ટર સ્થાપવામાં વધુ રસ દાખવશે. તેના કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં રોકાણ આવશે, નવી રોજગારીની તકો ઊભી થશે અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે. સરકારનું માનવું છે કે આ પોલિસી ગુજરાતને માત્ર દેશનું નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ ડેટા સેન્ટર હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.