Entertainment

‘કુછ કુછ હોતા હૈ’થી PM મોદીએ સમજાવ્યા ભારત-ઇન્ડોનેશિયાના સંબંધો, કરણ જોહરે વ્યક્ત કરી ખુશી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દેશોના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કા હેઠળ ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પહોંચ્યા છે. અહીં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે તેમણે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના ગાઢ સંબંધોને સમજાવવા માટે બોલિવુડની સુપરહિટ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નો રસપ્રદ ઉલ્લેખ કર્યો. પીએમના આ અંદાજે કાર્યક્રમમાં હાજર લોકોનું દિલ જીતી લીધું હતું અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ઇન્ડોનેશિયામાં ભારતીય સંસ્કૃતિ, સંગીત અને ફિલ્મો પ્રત્યે વિશેષ પ્રેમ જોવા મળે છે. તેમણે જણાવ્યું કે ‘કુછ કુછ હોતા હૈ’ અહીં ખૂબ જ લોકપ્રિય ફિલ્મ છે. આ ફિલ્મનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જ્યારે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આગળ વધે છે ત્યારે માત્ર ‘કુછ કુછ’ નહીં પરંતુ ‘બહુત કુછ’ થાય છે. તેમના આ શબ્દો દ્વારા બંને દેશો વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા.

વડાપ્રધાનના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. ફિલ્મના દિગ્દર્શક કરણ જોહર પણ આ વીડિયોથી ખુશ થયા હતા. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પીએમ મોદીના ભાષણનો વીડિયો શેર કરીને લખ્યું કે, દેશના વડાપ્રધાન દ્વારા તેમની ફિલ્મનો ઉલ્લેખ થવો તેમના માટે ખૂબ જ ગૌરવ અને સન્માનની વાત છે. તેમણે વધુમાં લખ્યું કે પ્રેમ અને સંસ્કૃતિ એવી ભાષા છે જે દરેક દેશની સરહદોને પાર કરી લોકોને જોડે છે. કરણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે તેમની ફિલ્મને આ રીતે યાદ રાખવામાં આવી તે ખૂબ જ આનંદની વાત છે.

ઉલ્લેખનીય છે કે ‘કુછ કુછ હોતા હૈ’ વર્ષ 1998માં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ દ્વારા કરણ જોહરે દિગ્દર્શક તરીકે બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી, જ્યારે સલમાન ખાને ખાસ કેમિયો કર્યો હતો. આજે પણ આ ફિલ્મ અને તેના ગીતો ભારત ઉપરાંત અનેક એશિયન દેશોમાં ખૂબ લોકપ્રિય છે. વડાપ્રધાન મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. જકાર્તા પહોંચતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ તેમણે વિવિધ સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લીધો.

પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ઇન્ડોનેશિયામાં વસતા ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી. ખાસ કરીને બાળકો સાથે વાતચીત કરી તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું. ભારતીય સમુદાયે પણ વડાપ્રધાનનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ પ્રવાસ માત્ર ઔપચારિક મુલાકાત પૂરતો નથી, પરંતુ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વેપાર, સંરક્ષણ, ટેક્નોલોજી, રોકાણ, દરિયાઈ સુરક્ષા અને ક્રિટિકલ મિનરલ્સ જેવા અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો પણ પ્રયાસ છે. બંને દેશો ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં સ્થિરતા અને વિકાસ માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહ્યા છે.

ઇન્ડોનેશિયાની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાના મેલબર્ન જશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ભારતીય સમુદાયને સંબોધશે. ત્યારબાદ તેઓ પોતાના પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ જશે. આ સમગ્ર પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના મહત્વપૂર્ણ મિત્ર દેશો સાથે ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો અને વેપાર, રોકાણ તથા વ્યૂહાત્મક સહયોગને નવી દિશા આપવાનો છે.

Most Popular

To Top