કેમ છો બધા, આપણું સુરત મજામાં ને’ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અને સુરતીઓને સંબાધતા અને આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે રાજ્યના લોકોએ ભાજપના સેવાભાવ અને વિકાસની રાજનીતિને સતત સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરની ચૂંટણીમાં મળેલો પ્રચંડ જનાદેશ માત્ર જીત નથી, પરંતુ સેવા અને વિકાસના મિશનને વધુ વ્યાપક બનાવવાની નવી જવાબદારી છે. હવે ‘વિકસિત ગુજરાત, વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. વડાપ્રધાને તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ગુજરાતની જનતાએ ભાજપ પર અભૂતપૂર્વ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં જનસમર્થન એટલું પ્રચંડ રહ્યું કે અગાઉના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. તેમણે ઉમેર્યું કે કોઈપણ રાજકીય પક્ષને આટલા લાંબા સમય સુધી સતત જનસેવાનો અવસર મળવો દુર્લભ બાબત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ સુરતની ધરતી પરથી સમગ્ર ગુજરાતની જનતાને વંદન કર્યું. તેમણે જણાવ્યું કે છેલ્લા અઢી દાયકાથી વધુ સમયથી ગુજરાતીઓ ભાજપને સતત આશીર્વાદ આપી રહ્યા છે અને સમય જતાં આ વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને સુરતવાસીઓના સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે એક લાખથી વધુ લોકોએ પાંચ દિવસ સુધી ચાલેલા અભિયાનમાં ભાગ લઈને શહેરમાંથી એકત્ર કરેલો કચરો તેમના માટે સૌથી મોટી ભેટ સમાન છે. સુરતવાસીઓની આ જાગૃતિ અને સહભાગિતા બદલ તેમણે સમગ્ર શહેરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણ સંરક્ષણ માટે જનભાગીદારી વધારવા પણ અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીના નેતૃત્વની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમના માર્ગદર્શન હેઠળ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા સતત વધી રહી છે. તેમણે કહ્યું કે વિશ્વમાં સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે પણ 140 કરોડ દેશવાસીઓને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત હાથોમાં છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ દૂરંદેશી અભિગમ અપનાવી ક્લાઈમેટ ચેન્જ જેવા વૈશ્વિક પડકારને પણ વિકાસની તકમાં ફેરવ્યો છે. તેમના નેતૃત્વમાં ભારતે પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવવાનો સફળ પ્રયાસ કર્યો છે, જેના પરિણામે દેશ આજે નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન એનર્જી અને સ્વચ્છતા ક્ષેત્રે ગુજરાતની આગેવાનીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત આજે ‘પ્રકૃતિ સાથે પ્રગતિ’ના મંત્રને આત્મસાત કરીને વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેન્જના પડકારોને ઓળખીને ગુજરાતે વર્ષો પહેલાં જ આગવી દિશામાં કામગીરી શરૂ કરી હતી. આ સદીની શરૂઆતમાં રાજ્યમાં ક્લાઈમેટ ચેન્જ માટે અલગ વિભાગની રચના કરવામાં આવી હતી, જે દેશ માટે એક અનોખી પહેલ હતી. પાટણ જિલ્લાના ચારણકા ગામમાં દેશનો પ્રથમ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરીને ગુજરાતે સમગ્ર દેશને નવી દિશા આપી હતી. આજે ભારત પણ ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે.
વડાપ્રધાને સુરતવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે શહેરના વિકાસને નવી ગતિ આપતા અનેક પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો અવસર મળ્યો છે. તેમણે ઉમેર્યું કે વિશ્વ હવે ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહ્યું છે અને ભારત પણ ગ્રીન ગ્રોથને કેન્દ્રમાં રાખીને વિકાસની નવી વ્યૂહરચના સાથે કામ કરી રહ્યું છે. સુરતના સ્વચ્છતા મોડેલની પ્રશંસા કરતાં મોદીએ કહ્યું કે સુરત માત્ર એક શહેર નથી, પરંતુ એક જીવંત સ્પિરિટ છે. શહેરે વર્ષોથી સ્વચ્છતા અભિયાનને પ્રાથમિકતા આપી છે અને તેમાં જનપ્રતિનિધિઓ તેમજ નાગરિકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. તેમણે યાદ અપાવ્યું કે એક સમય હતો જ્યારે સુરત પ્લેગ જેવી ગંભીર મહામારીથી પ્રભાવિત બન્યું હતું, પરંતુ આજે તે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન ધરાવે છે અને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે.