Vadodara

‘સ્માર્ટ સિટી’ વડોદરામાં ‘ભુવા ઉત્સવ’ શરૂ: પહેલા જ વરસાદમાં પાલિકા પોતે જ ખાડામાં!

હરિનગર પાસે કોર્પોરેશનનું જ ડોર-ટુ-ડોર કચરાનું વાહન ભુવામાં ગરકાવ; ભ્રષ્ટાચારની ખુલી પોલ

વડોદરા: વડોદરા શહેરમાં મેઘરાજાની પધરામણી થતાંની સાથે જ વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાના સ્તરની પોલ ખુલી ગઈ છે. સ્માર્ટ સિટીના મોટા-મોટા દાવાઓ વચ્ચે વડોદરામાં ચોમાસાના પ્રથમ વરસાદની સાથે જ ઠેર-ઠેર ‘ભુવા ઉત્સવ’ શરૂ થઈ ગયો હોય તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. વડોદરા શહેરના હરિનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મહાનગરપાલિકાનું જ એક વાહન રસ્તા પર પડેલા વિશાળ ભુવામાં ખાબક્યું હતું.
​મળતી વિગતો અનુસાર, હરિનગરથી વોર્ડ નંબર ૧૧ તરફ જવાના મુખ્ય માર્ગ પરથી કોર્પોરેશનનું ડોર-ટુ-ડોર કચરો કલેક્ટ કરવાનું એક વાહન પસાર થઈ રહ્યું હતું. આ વાહન લોકોના ઘરેથી કચરો એકત્રિત કરવાના રોજિંદા કાર્ય પર હતું, ત્યારે અચાનક રોડનો એક મોટો ભાગ બેસી ગયો હતો અને વાહન સીધું જ ભુવામાં ગરકાવ થઈ ગયું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનના પાછળના પૈડાં જમીનની અંદર ઊંડે સુધી ખૂંપી ગયા હતા, જેના કારણે વાહનનો આગળનો ભાગ હવામાં અધ્ધર થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં ડ્રાઈવર કે અન્ય કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું છે અને તેને બહાર કાઢવા માટે તાત્કાલિક ભારે મશક્કત કરવી પડી હતી.
​આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ આ પ્રકારે રોડ બેસી જવો એ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની નબળી ગુણવત્તાવાળી અને હલકી કામગીરીની સાબિતી આપે છે. પાલિકા દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ ધોવાઈ જાય છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પાલિકા પોતે જ પોતાના ખાડે ગયેલા તંત્રનો ભોગ બની રહી છે. વાહનચાલકો માટે પણ હવે પેચવર્ક વાળી જગ્યાઓ પરથી પસાર થવું જોખમી બન્યું છે, ત્યારે જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે.


Most Popular

To Top