વડોદરા રેલવે ગોદીમાં જથ્થો મૂકવા બનાવાયેલા શેડમાં શ્રમિકો-ભિક્ષુકોનો આશરો
ચોમાસામાં ખુલ્લામાં પડેલા સિમેન્ટના જથ્થાને નુકસાનની ભીતિ

( પ્રતિનિધિ )વડોદરા,તા.4
વડોદરા રેલવે ગોદીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ચોમાસાની સીઝન જામી હોવા છતાં રેલ માર્ગે આવેલો મોટા પ્રમાણમાં સિમેન્ટનો જથ્થો ખુલ્લા આકાશ નીચે મૂકી દેવાયો છે. તંત્ર દ્વારા માત્ર તાડપત્રી ઢાંકીને સંતોષ માની લેવાયો છે.
રેલવે ગોદીમાં અનાજ, સિમેન્ટ સહિતનો મોટો જથ્થો નિયમિત આવતો હોય છે. આ જથ્થાને વરસાદ અને નુકસાનથી બચાવવા માટે લાખોના ખર્ચે ખાસ શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે હાલ આવેલો સિમેન્ટનો જથ્થો શેડ નીચે મૂકવાને બદલે ખુલ્લામાં મૂકી દેવાયો છે. જથ્થો સાચવવા બનાવાયેલા શેડનો ઉપયોગ હાલ શ્રમિકો અને ભિક્ષુકોને આશરો આપવા માટે થઈ રહ્યો છે. પરિણામે મોટી કિંમતનો સિમેન્ટ વરસાદી માહોલમાં તાડપત્રીના ભરોસે પડ્યો છે. જો વરસાદનું જોર વધે તો સિમેન્ટ બગડી જવાનો અને મોટું આર્થિક નુકસાન થવાનો ભય છે. સવાલ એ છે કે જ્યારે જથ્થો સાચવવા માટે શેડ ઉપલબ્ધ છે, તો પછી સિમેન્ટ ખુલ્લામાં કેમ મૂકાયું? શું તંત્ર કોઈ મોટા નુકસાનની રાહ જોઈ રહ્યું છે?