મુંબઈમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છેલ્લા 12 કલાકમાં ઘણા વિસ્તારોમાં 150 મીમીથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પર મોટી અસર પડી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ અને લોકલ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના જણાવ્યા મુજબ બુધવારે સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પૂર્વીય ઉપનગરોમાં સરેરાશ 150 મીમી વરસાદ નોંધાયો હતો. પશ્ચિમી ઉપનગરોમાં લગભગ 140 મીમી વરસાદ પડ્યો હતો, જ્યારે મુંબઈ શહેર વિસ્તારમાં સરેરાશ 77 મીમી વરસાદ નોંધાયો હતો.

શહેરમાં લગાવવામાં આવેલા ઓટોમેટિક રેઈનગેજના આંકડા મુજબ મુલુંડમાં સૌથી વધુ 155 મીમી વરસાદ નોંધાયો હતો. ઉપરાંત પવઈમાં 149 મીમી અને વિક્રોલીમાં 148.40 મીમી વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પશ્ચિમ ઉપનગરોમાં પણ વરસાદે ભારે અસર કરી હતી. સાંતાક્રુઝમાં 140 મીમી અને અંધેરીમાં 137 મીમી વરસાદ પડ્યો હતો. સતત વરસાદને કારણે અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સુરક્ષાના પગલે પોલીસ અને ટ્રાફિક વિભાગે અંધેરી સબવે સહિત કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વાહનવ્યવહાર બંધ કરીને ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાયવર્ટ કર્યો હતો. ભારે વરસાદની અસર મુંબઈના જાહેર પરિવહન પર પણ જોવા મળી હતી. BESTની બસ સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહી હતી, પરંતુ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેની અનેક લોકલ ટ્રેનો વિલંબથી દોડી હતી.

ઓફિસ જતાં અને ઘરે પરત ફરતા હજારો મુસાફરોને લાંબા સમય સુધી સ્ટેશનો પર રાહ જોવી પડી હતી. મુંબઈ ઉપરાંત કલ્યાણ અને ડોંબિવલી શહેરોમાં પણ ભારે વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી છે. મંગળવાર રાત્રિથી શરૂ થયેલો વરસાદ આખી રાત ચાલુ રહ્યો હતો. બુધવારે સવારે થોડા સમય માટે વરસાદ થંભ્યો હોવાની લાગણી થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં ફરી કાળા વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સતત વરસતા વરસાદના કારણે બંને શહેરોના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને જનજીવન પર ગંભીર અસર જોવા મળી. શિલફાટા વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર બની હતી. અહીં રસ્તાઓ પર એટલું પાણી ભરાઈ ગયું કે રસ્તા પર ઉભેલા અનેક ચાર પૈડાં વાહનો લગભગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા.

શિલ રોડ પર પાણી ભરાઈ જતાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. વાહનચાલકોને કલાકો સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજુ પાટીલે પણ સોશિયલ મીડિયા પર વિસ્તારના વીડિયો શેર કરીને વરસાદી પરિસ્થિતિ અને વ્યવસ્થાની ટીકા કરી હતી. ભારત હવામાન વિભાગ (IMD)એ મુંબઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરીને આગામી દિવસોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. લોકો ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. IMDએ મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓ માટે પણ એલર્ટ જાહેર કર્યા છે. રત્નાગિરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પાલઘર માટે ગુરુવારનો રેડ એલર્ટ આપવામાં આવ્યો છે, જ્યારે રાયગઢ જિલ્લામાં ગુરુવાર અને શુક્રવાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. થાણે જિલ્લામાં બુધવારથી શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ અને શનિવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ માટે પણ બુધવારથી શનિવાર સુધી સતત ઓરેન્જ એલર્ટ અમલમાં રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે મુંબઈ, થાણે અને સિંધુદુર્ગમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલની સ્થિતિને જોતા પ્રશાસને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવાની સલાહ આપી છે. આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જનજીવન પર તેની અસર યથાવત રહેવાની સંભાવના છે.
